મોટી વિરાણી, (તા. નખત્રાણા), તા. 4 : તાલુકામાં પડેલા ભારે વરસાદને
પગલે અહીંના રામેશ્વર પાસેનાં તળાવમાંથી પાણીના વહેણમાં તણાઇ આવેલી હજારો માછલીઓને
તળાવમાં ઠાલવીને જીવદયાપ્રેમીઓ દ્વારા નવજીવન બક્ષાયું હતું. વરસાદને પગલે ઠેર-ઠેર
નદીનાળા છલકાયા હતા તેમજ જળાશયોમાં રહેલી માછલીઓ પાણીના પ્રવાહમાં તણાઇને વિરાણી મોટીની
એક પાપડીમાં પાણી ઓસરતાં બાજુના પથ્થરો પાસે તરફડિયા મારતી માછલીઓ ત્યાંથી પસાર થતા
અગ્રણી ચાકી અબ્દુલા ઇસ્માઇલની નજરે પડતાં તેમણે તાત્કાલિક જાગૃત નાગરિકો સમીર લંગા, હારૂન મેમણ, ચાકી સયાનને
જાણ કરી હતી તેમના સહિયારા પ્રયાસથી માછલીઓને સહી સલામત અન્ય તળાવમાં ઠાલવવામાં આવી
હોવાનું જણાવાયું હતું. જીવદયાપ્રેમીઓ દ્વારા જાગરૂકતા દાખવી હજારો માછલીઓના જીવ બચાવાયા
હતા.