• શનિવાર, 05 જુલાઈ, 2025

ભ્રષ્ટાચાર મુદ્દે કોઈને છોડયા નથી..

અમદાવાદ, તા. 4 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં કેન્દ્ર જળશક્તિ મંત્રી સી.આર. પાટિલ, ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડની ગેર-ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્વાચિત સરપંચો-સભ્યોનું સન્માન કર્યું હતું. સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચોને તેમજ વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોના સરપંચોને મહાનુભવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તબક્કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સહજ શૈલીમાં હસતાં-હસતાં કહી દીધું હતું કે, રૂપિયાની પાછળ પડવું  નહીં. કેમ કે, સરકાર ભ્રષ્ટાચારની ઝીરો ટોલરન્સ નીતિ પર અમલ કરી રહી છે. હાથમાં આવ્યા પછી કોઈને છોડયા નથી અને કોઈને છોડવાના પણ નથી. મુખ્યમંત્રીએ એક નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામ-નગર-શહેરો દરેક સ્થળને સાફ-સુઘડ રાખવાનું જન આંદોલન ચલાવ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દરેક ગામની આવી સ્વચ્છતા-સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ચાર રૂપિયાની ફાળવણી કરે છે. હવે આ રકમ બમણી કરીને વ્યક્તિ દીઠ માસિક આઠ રૂપિયા અપાશે. આ વખતે ગ્રામ પંચાયત ચૂંટણીઓમાં વિક્રમી 761 ગ્રામ પંચાયત સમરસ થઈ છે. જેને પ્રોત્સાહક ગ્રાન્ટ પેટે કુલ રૂા. 35 કરોડ ડી.બી.ટી.થી ફાળવવા સાથે સમગ્રતયા રૂા. 1236 કરોડની રકમ વિવિધ વિકાસકામોની ગ્રાન્ટ તરીકે ફાળવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ  જણાવ્યું હતું કે, નવા ચૂંટાયેલા સરપંચો અને સદસ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવીને વિજય પ્રાપ્ત કર્યો છે. `આપણું ગામ આપણું ગૌરવ' મંત્ર સાથે તમારે સૌએ ગામના વિકાસ કામોના સ્તંભ બનવાનું છે. 

Panchang

dd