• બુધવાર, 27 મે, 2026

ઈંધણના બોજાને હળવો કરવા સરકાર પગલાં લે

ઇરાન સામે અમેરિકાના આક્રમણને લીધે દુનિયામાં ક્રૂડતેલની ગંભીર કટોકટી સર્જાઈ છે. વિશ્વના દેશોમાં ઈંધણના ભડકે બળતા ભાવોની ઝાળ હવે ભારત સુધી પહોંચી છે. લગભગ 70 દિવસ સુધી ભારતે સ્થિતિ સુધરશે એવી આશામાં વધતા ભાવોનો બોજો દેશના નાગરિકો અને વપરાશકારો પર પડે નહીં તેનો ખ્યાલ રાખ્યો હતો, પણ હવે આ આર્થિક બોજો ચરમસીમાએ પહોંચી જતાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરવાની ફરજ પડી છે.  છેલ્લા 11 દિવસમાં આ બન્ને ઈંધણના ભાવોમાં ચાર વખત વધારો કરીને સરકારે દેશ આખા સામે મોંઘવારીનો ચિંતાજનક પડકાર ઊભો  કર્યે છે. રવિવારે રાત્રે પેટ્રોલના ભાવોમાં લિટરે રૂા. 2.61નો અને ડીઝલમાં રૂા. 2.71નો વધારો જાહેર કરીને સરકારે વૈશ્વિક પરિસ્થિતિમાં વધુ કંઈ થઈ શકે તેમ ન હોવાનો સ્પષ્ટ સંદેશ દેશને આપી દીધો છે. હાલત એવી છે કે, પેટ્રોલના ભાવો લિટરે રૂા. 100ને આંબી ગયા છે. 1પમી મેથી 2પમી મે વચ્ચેના ગાળામાં ચાર વખતે થયેલા આ ભાવવધારાનો સરવાળો પેટ્રોલ માટે લિટરે કુલ  7.38 રૂપિયાનો અને ડીઝલે  રૂા. 7.2નો વધારો થયો છે. સ્વાભાવિક રીતે જ આ ચાવીરૂપ ઈંધણના ભાવોમાં આટલા બધા વધારાથી પરિવહન અને ઉત્પાદન બન્ને ક્ષેત્રો પર મોંઘવારીનો બોજો આવી પડયો છે. સરકારથી માંડીને કોર્પોરેટ જગત અને છેક સમાન્ય નાગરિકોનાં બજેટ હવે ખરા અર્થમાં ખોરવાઈ ગયાં છે. સ્વાભાવિક છે કે, હવે મોંઘવારીનો બોજો શક્ય એટલો હળવો કરવા સરકાર કોઈ નક્કર વ્યૂહરચના ઘડી કાઢે. ઈંધણના ભાવવધારાથી જે ક્ષેત્રો પર અસર પડી રહી છે તેમને અન્ય ઉપાયો દ્વારા આ ભાવવધારાને સહન કરવામાં મદદરૂપ થવાની તાકીદની જરૂરત ઊભી થઈ ચૂકી છે. સો કોઈ સમજે છે કે, ઈંધણના ભાવ વધવાથી પરિવહન મોંઘું બને છે, જેની અસર તમામ પ્રકારની ચીજવસ્તુઓનાં વહન અને કિંમત પર પડતી હોય છે. સાથોસાથ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ખેતી અને ઉત્પાદન ક્ષેત્રમાં પણ થાય છે. આ વધારાથી આ બન્ને ક્ષેત્ર પર ખર્ચમાં ભારે વધારો  થાય  છે  જે  સરવાળે  ભાવોના  વધારામાં  પરિણમે છે. સરકારે પરિવહન ઉપરાંત ખેત અને ઔદ્યોગિક ઉત્પાદનમાં અન્ય રાહતો કઈ રીતે આપી શકાય તે માટે તાકીદે મંથન કરવાની જરૂરત છે.  અમુક વેરામાં રાહતથી ઈંધણના ભાવવધારાનો બોજો હળવો થઈ શકે તેમ છે. આ માટે સરકારે અગાઉ પેટ્રોલ-ડીઝલ પરના કેન્દ્રીય વેરામાં જે રીતે રાહત આપી હતી તે રીતે હવે અન્ય ક્ષેત્રોને પણ સહાભૂત થવાનાં તાકીદનાં પગલાં લેવાની ખાસ જરૂરત વર્તાઈ રહી છે. એક તરફ કરકસર અને બીજી તરફ વેરા જેવી રાહતોનાં પગલાં લેવાય તો દેશના લગભગ તમામ ક્ષેત્રોમાં મોંઘવારીના બોજાને હળવો કરી શકાય. હવે એવી આશા રાખવી રહી કે, મધ્ય-પૂર્વનો જંગ આગામી દિવસોમાં સમેટાઈ જાય અને સ્થિતિ ઝડપભેર થાળે પડી જાય, પણ ત્યાં સુધી આ બોજાને વહન કરવામાં એકમેકને મદદરૂપ થવાનો આ સમય ચાલી રહ્યો છે. 

Panchang

dd