ગાંધીધામ, તા. 26 : અબડાસા અને લખપત તાલુકામાં
સમયાંતરે વન્યજીવોના શિકારની ઘટના બહાર આવી છે અને આ પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ અને વન વિભાગ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરાઈ
છે, ત્યારે વધુ એક વખત અબડાસા તાલુકામાં હથિયાર સાથે પોલીસે ત્રિપુટીને ઝડપી પાડી હતી.
પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે વાયોર પોલીસની
ટીમે આજે સવારના અરસામાં વાયોર ત્રણ રસ્તા પાસે કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમ્યાન
પોલીસે આરોપીઓ પ્રવીણ કેસા જાગરિયા, મનસુખ દામજી જાગરિયા અને પરષોત્તમ દાના જાગરિયાને
પોલીસે દબોચી લીધા હતા.આરોપીઓના કબજામાંથી બે ભાલા અને કુહાડી કબજે કરાયા છે. આરોપીઓએ અગાઉ
કોઈ વન્યજીવોનો શિકાર કર્યો છે કે નહીં તે સહિતની દિશામાં તપાસ કરાઈ છે. આરોપીઓ સામે
હથિયારબંધી જાહેરનામાં ભંગ સહિતની કલમો તળે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.