ભુજ, તા. 26 : કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની
સરકારને 12 વર્ષ પૂર્ણ થતા હોઈ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની અનેક ઝળહળતી સિદ્ધિઓ અને કીર્તિમાનોની ઉજવણી કરવા સમગ્ર ગુજરાતમાં
આ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવા માટે પ્રદેશ ભાજપ દ્વારા અનેક આયોજનો ઘડી કાઢવામાં
આવ્યા છે. કચ્છ કમલમ્ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલ
એક વર્ચ્યુઅલ બેઠકમાં આગામી જૂન મહિનામાં બહુલક્ષી કાર્યક્રમો કરવા માટે માર્ગદર્શન
પૂરું પડાયું હતું. રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ નીતિન નવીનના નિર્દેશાનુસાર કચ્છ જિલ્લા
ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેજા હેઠળ સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વાસ,
વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ સફળતાપૂર્વક
પૂર્ણ થવાના અવસરે આગામી તા. 5 જૂનથી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમો
યોજવામાં આવશે. 5 જૂન વિશ્વ
પર્યાવરણ દિવસ નિમિતે એક પૈડ મા કે નામ અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે.
વિશેષ જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત સાંસદ વિનોદ ચાવડા પોતાના લોકસભા ક્ષેત્રની દરેક
વિધાનસભામાં 1-1 દિવસનો પ્રવાસ કરશે ધારાસભ્યો
પોતાના વિધાનસભા વિસ્તારના દરેક મંડળમાં 1-1 દિવસનો પ્રવાસ કરશે અને તેમની સાથે પક્ષના સૌ તેમજ કાર્યકર્તાઓ
સાથે જોડાશે. વિસ્તૃતમાં માહિતી આપતા વરચંદે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા ભાજપ દ્વારા
સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંપર્ક કાર્યક્રમ,
પ્રગતિ પથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ અભિયાન, જનકલ્યાણ શિબિર, મોદી સરકારની ઉપલબ્ધિઓનું
પ્રદર્શન, કિશાન મોરચા દ્વારા જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતીની વિશાળ કાર્યશાળાનું આયોજન
અને 21 જૂને મહિલા મોરચા દ્વારા
આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી સહિતના અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેમાં જિલ્લા
ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપરાંત સામાજિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો, પ્રતિષ્ઠિત
વ્યક્તિઓ, સેવાકીય સંગઠનોને પણ સાથે જોડવામાં આવશે. કચ્છ કમલમ્, ભુજ ખાતે આયોજિત બેઠકમાં
જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ,
પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી, ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, મહામંત્રીઓ
ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ
જાડેજા, પારૂલબેન કારા, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સહિત જિલ્લા ભાજપના હોદેદારો,
વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ અપેક્ષિત શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ
વર્ચ્યુઅલી માર્ગદર્શન મેળવ્યું હતું, તે કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન
ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.