• બુધવાર, 27 મે, 2026

વસ્તીમાં ફેરફાર મુદ્દે ઉચ્ચ સમિતિની રચના

નવી દિલ્હી, તા.26 : દેશના વસ્તી વિષયક પરિવર્તન, ડેમોગ્રાફીમાં બદલાવને લઇને  સરકાર ચિંતિત છે. ડેમોગ્રાફી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાનો નિર્ણય લીધો હતો. ગૃહ મંત્રાલયે વસ્તી વિષયક પરિવર્તન પર એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, આ સમિતિ ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અન્ય અસામાન્ય પરિબળોને કારણે સમગ્ર ભારતમાં થઈ રહેલા વસ્તી વિષયક પરિવર્તનનું મૂલ્યાંકન કરશે. તેમણે કહ્યું, `ઘૂસણખોરી અને અન્ય પરિબળોને કારણે અકુદરતી વસ્તી વિષયક પરિવર્તન કોઈપણ રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્ય માટે એક મહત્ત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે. આ પડકારનો સામનો કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2025ના વસ્તી વિષયક પરિવર્તન પર એક ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. મને તમને જણાવતાં આનંદ થાય છે કે સરકારે આ સમિતિની રચના કરી છે.' કેન્દ્રીય ગૃહમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, `ન્યાયમૂર્તિ પ્રકાશ પ્રભાકર નાઓલેકર (નિવૃત્ત)ની અધ્યક્ષતાવાળી આ સમિતિમાં વસ્તી ગણતરી કમિશનર દુર્ગા શંકર મિશ્રા (નિવૃત્ત આઇએએસ), બાલાજી શ્રીવાસ્તવ (નિવૃત્ત આઇપીએસ), અને ડો. શમિકા રવિ સભ્ય સચિવ હશે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ (વિદેશી બાબતો) સભ્ય સચિવ રહેશે.' તેમણે જણાવ્યું હતું કે, `વસ્તી વિષયક પરિવર્તન એ એક ગંભીર મુદ્દો છે જે આપણી સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, સામાજિક માળખામાં ગહન ફેરફારો અને આદિવાસી સમુદાયોના રક્ષણ માટે જોખમી છે. આ સમિતિ ગેરકાયદેસર સ્થળાંતર અને અન્ય અસામાન્ય પરિબળોને કારણે સમગ્ર ભારતમાં થઈ રહેલા વસ્તી વિષયક ફેરફારોનું વ્યાપક મૂલ્યાંકન કરશે અને ધાર્મિક અને સામાજિક સમુદાયોનાં સ્તરે અસામાન્ય વસ્તી ફેરફારોના પેટર્નનું વિશ્લેષણ કરશે. તે યોજનાઓ અને સમયસર ઉકેલો પણ પ્રસ્તાવિત કરશે.' ગૃહમંત્રીએ વિવિધ પ્લેટફોર્મ પરથી દેશમાં ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર માત્ર ઘૂસણખોરી રોકવા માટે જ નહીં પરંતુ દેશમાંથી દરેક ગેરકાયદેસર વ્યક્તિને ઓળખવા અને હાંકી કાઢવા માટે પણ પ્રતિબદ્ધ છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, `િત્રપુરા, આસામ અને પશ્ચિમ બંગાળમાં એવી સરકારો છે જે આ સિદ્ધાંતને સમર્થન આપે છે કે કોઈ ઘૂસણખોરી ન થવી જોઈએ. બીએસએફ માત્ર સરહદનું રક્ષણ જ નહીં પરંતુ ઘૂસણખોરો, ઘૂસણખોરી માર્ગો અને પશુ તસ્કરીના માર્ગોને શોધી કાઢવા અને અવરોધિત કરવા માટે ગામના પટવારી, પોલીસ સ્ટેશન, જિલ્લા કલેક્ટર અને પોલીસ અધીક્ષકો સાથે સંચાર સેતુ પણ બનાવવા જોઈએ.'  

Panchang

dd