• બુધવાર, 27 મે, 2026

સિદ્ધારમૈયા કાલે રાજીનામું આપી શકે

બેંગ્લોર, તા. 26 : કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવા અંગે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે મંગળવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન સાથે બેઠક કરી હતી. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, સિદ્ધારમૈયા ગુરુવારે રાજીનામું આપી શકે છે. અલબત્ત, તેના બદલે તેમને દિલ્હીમાં કોઈ મોટી ભૂમિકા અપાઈ શકે છે, તો બુધવારે સિદ્ધારમૈયા બેંગ્લોરમાં એક પત્રકાર પરિષદ સંબોધી શકે. જો કે, કોંગ્રેસે અટકળો ફગાવી હતી. એક મીડિયા હેવાલ મુજબ, દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ સિદ્ધારમૈયા રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાએ જોર પકડયું છે અને તેના બદલે તેમને દિલ્હીમાં કોઈ મોટી ભૂમિકા અથવા રાજ્યસભામાં સ્થાન મળી શકે છે, તો બીજી તરફ કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની બેઠકમાં વ્યાપકપણે ચર્ચાઓ થઈ છે. રાજીનામાં અંગેની અટકળો અફવા માત્ર છે, તેમાં કોઈ તથ્ય નથી. બેઠકમાં માત્ર નગરસેવકો અને રાજ્યસભા ચૂંટણી અંગે જ વાટાઘાટો થઈ છે, અન્ય કોઈ વિષય પર ચર્ચા થઈ નથી. બીજી તરફ હવે ડી.કે. શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી બને તેવી ચર્ચાઓ બહાર આવી રહી છે. નોંધનીય છે કે, શિવકુમારના સમર્થક 2023ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીત બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનવા મામલે સહમતી સધાઈ હતી, જે અંતર્ગત શિવકુમાર મુખ્યમંત્રી બને તેના પર ભાર આપી રહ્યા છે, તો બીજીબાજુ સિદ્ધારમૈયા સતત કહેતા રહ્યા છે કે, તે તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. 

Panchang

dd