ગાંધીધામ, તા. 26 : ભચાઉ તાલુકાના નાની ચીરઈ
ગામમાં ગાળાગાળી બાદમાં હુમલાનો બનાવ લોહિયાળ સાબિત થયો છે. ઝઘડો કરી રહેલા શખ્સો વચ્ચે
પોતાની દીકરીને ત્યાં લેવા ગયેલા કંડલાના અકબર અયુબ ત્રાયા (ઉ.વ. 49) ઉપર છરી વડી હુમલો કરાયો
હતો. આ આધેડે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. નાની
ચીરઈના મુસ્લિમવાસ વિસ્તારમાં રહી મજૂરીકામ કરનાર સુમાર ઓસમાણ નાગડાએ આ બનાવ અંગે પોલીસ
મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 23/5ના બપોરના અરસામાં મસ્જિદ ચોકમાં ફરિયાદીના સાળા અકબર હાસમ પરીટના
દીકરા હાજી અકબર પરીટને રહીમ ગુલમામદ પરીટ ખોટી રીતે ગાળાગાળી કરતો હતો. આ રહીમ પરીટ
ફરિયાદીનો કૌટુંબિક ભાણેજ થાય છે. જેના કારણે અકબર પરીટે ફરિયાદી પાસે આવી તેને સમજાવવાનું
કહેતાં ફરિયાદી સાંજે આ રહીમના ઘરે જઈ બીજીવાર ઝઘડો ન કરવા સમજાવવા ગયા હતા અને બાદમાં
પોતાના ઘરે આવી ગયા હતા. આ ફરિયાદીના સાળા અકબર પરીટના ઘરે તેમના સાઢુ અકબર અયુબ ત્રાયા
(રહે. કંડલા)ની દીકરી હતી. તેને લેવા તેના પિતા અકબર ત્રાયા ચીરઈ આવ્યા હતા. દરમ્યાન
ફરિયાદીના ઘરે રહીમ પરીટ, ઈકબાલ ગુલમામદ, હસન ગુલમામદ આવ્યા હતા અને કોણે ગાળો બોલેલી
છે તેને બોલાવી તેમ કહી ફરિયાદીને ગાળો આપવા લાગ્યા હતા. ફરિયાદીએ તેની ના પાડતાં આ
ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરતા હતા, તેવામાં અન્ય આરોપી હાજી ઉર્ફે ગઠ્ઠો અલારખા
પરીટ, ઈરફાન હાજી ઉર્ફે ગઠ્ઠો પરીટ, ઈમરાન હાજી ઉર્ફે ગઠ્ઠો પરીટ ત્યાં આવ્યા હતા.
આ શખ્સો પૈકી એક પાસે પાઈપ અન્ય પાસે ધારીયું હતું. આ શખ્સે ગાળાગાળી કરી ઝઘડો કરી
રહ્યા હતા તેવામાં પાડોશમાં આવેલ કંડલાના અકબર ત્રાયા આ સાંભળીને ત્યાં ગયા હતા અને
વચ્ચે પડતાં રહીમ પરીટે ભેઠમાંથી છરી કાઢી આ આધેડના પેટમાં હુલાવી દીધી હતી અને બીજો
ઘા કાંડામાં માર્યો હતો. તેવામાં આ આધેડ ત્યાં જ ઢળી પડયા હતા. દરમ્યાન, અકબર હાસમ
પરીટ આવતાં આ શખ્સોએ તેની સાથે પણ ગાળાગાળી કરી હતી. અન્ય લોકોએ કોઈને કહીશ તો આ શખ્સો
જાનથી મારી નાખવાની ધમકી આપીને નીકળી ગયા હતા. દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર
અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું ઓપરેશન કરાયું હતું.
દરમ્યાન આજે જ સવારે આ આધેડે હોસ્પિટલના બિછાને છેલ્લા શ્વાસ લેતાં બનાવ હત્યામાં પલટાયો
હતો. પોલીસે બનાવમાં હત્યાની કલમોનો ઉમેરો કરવા તથા હાથમાં ન આવેલા આ છ આરોપીને પકડી
પાડવા આગળની તપાસ હાથ ધરી છે. સામાન્ય બોલાચાલી, ગાળાગાળીમાં આધેડના હત્યાના આ બનાવથી
ભારે ચકચાર પ્રસરી હતી.