નવી દિલ્હી/અમદાવાદ, તા.
26 : અમેરિકામાં રહેતા ગુજરાતી
સમુદાય માટે સુરક્ષા ફરી એકવાર ચિંતાનો વિષય બની ગઈ છે. તાજેતરમાં જ એક ચોંકાવનારી
ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની એક યુવતી મેઘના પટેલની
એક અજાણી વ્યક્તિ દ્વારા નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલાના
સમાચારથી માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોમાં પણ ભય અને સુરક્ષા
સંબંધિત ચિંતાઓ વધી ગઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી.મહેસાણા જિલ્લાના
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની વતની મેઘના પટેલ 10 વર્ષ પહેલાં અમેરિકામાં સ્થાયી થઈ હતી. તે ત્યાંના એક સ્થાનિક
સ્ટોરમાં કામ કરતી હતી. જ્યારે મેઘના પટેલ સ્ટોરમાં હાજર હતી, ત્યારે એક અજાણી વ્યક્તિ
ગ્રાહક તરીકેનો વેશ ધારણ કરીને પરિસરમાં ઘૂસી આવી હતી. સીસીટીવી ફૂટેજ મુજબ હુમલાખોરે ટ્રેકસૂટ, જેકેટ, મોજાં, માસ્ક અને ટોપી
પહેરી હતી, જેનાથી ફક્ત તેની આંખો જ દેખાતી હતી. હુમલાખોરે મેઘના પટેલ સાથે થોડીક સેકન્ડ
માટે વાત કરી અને અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ગોળીબાર કર્યા પછી, હુમલાખોર
ટેબલ પરથી કેટલીક વસ્તુઓ ચોરી ગયો અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ ક્રૂર હુમલામાં
મેઘના પટેલનું મોત નીપજ્યું હતું.