ભુજ, તા. 22 : અહીંની એલએનએમ લાયન્સ હોસ્પિટલમાં
સ્વ. નારણ વેલજી સેંઘાણી અને સ્વ. ધનબાઈ નારણ સેંઘાણી આત્મશ્રેયાર્થે વાલજીભાઇ નારણ
સેંઘાણી અને પ્રેમિલાબેન સેંઘાણી પરિવાર (સૂરજપર-યુકે) દ્વારા તથા અન્ય સૂરજપર ગામના
હરિભક્ત પરિવાર તરફથી હોસ્પિટલની દર સપ્તાહે ચાલી રહેલા દૃષ્ટિ સેવાકેમ્પના ભાગરૂપે
ત્રિદિવસીય નિ:શુલ્ક મેગા આઈ ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 101 જરૂરિયાતમંદ દર્દીના આંખના
ઓપરેશન થયા હતા. અમદાવાદના નિષ્ણાત સર્જન દ્વારા દર્દીઓના સારી ગુણાવત્તા ધરાવતા નેત્રમણિના
ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. દાતા પરિવાર ઘણા સમયથી લાયન્સ હોસ્પિટલ દ્વારા ચાલતી સેવાકીય
પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. કચ્છ જિલ્લાના અલગ-અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા
નિ:શુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરી સેંકડો દર્દીને ઓપરેશનની જરૂરિયાત જણાતાં તેઓને
લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા હતા. મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા
અનેક લોકોને સ્વસ્થ બનાવી તેમની આંતરડી ઠારવાનું અને તેમના આશીર્વાદ પામવાનું દાતાએ
ભગીરથ કાર્ય કર્યું છે, તે પ્રશંસનીય
છે. હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક કિડની ડાયાલિસીસ,
મફત નેત્ર કેમ્પ મોતિયાના ઓપરેશન, દંત ચિકિત્સા
વિભાગ, ઓડિયોમેટ્રી વિભાગ, જનરલ ઓ.પી.ડી.
પેથોલોજી લેબોરેટરી, એમ્બ્યુલન્સની સેવા સક્રિય છે. અહીં છેલ્લાં
20 વર્ષથી કિડનીના દર્દીઓને મફત
ડાયાલિસીસ સેવા અપાઈ રહી છે, અત્યાર
સુધી 2,19,500થી વધુ ડાયાલિસીસ અને 44500થી વધુ મફત આંખના ઓપરેશન કરાયા
છે. કચ્છના વિવિધ ગામમાંથી અંદાજે 150 જેટલા દર્દી ડાયાલિસીસ કરાવે છે. માનવ સેવાના આ યજ્ઞમાં માનવતાની ઉદારતાભરી જ્યોત જગાવી અનેક લોકોને તકલીફમાંથી
સાંત્વના અને સ્વસ્થતા અપાવવાનું સદ્કાર્ય કર્યું છે. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તરીકે
લાયન વ્યોમા મહેતાએ સેવા આપી હતી.