મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે દુનિયાના લગભગ તમામ દેશોના
અર્થતંત્રોને ખોરવી નાંખીને ભારે હલચલ મચાવી છે.
હવે વારેવારે નવા શાબ્દિક ઉંબાડિયા કરતા રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોમાંથી બહાર નીકળવાના સંકેત આપીને દુનિયાના
શક્તિશાળી દેશોના આ સંગઠનમાં ભારે હલચલ જગાવી છે. પોતાની વાતમાં સંમતિ વ્યક્ત ન કરનારા
સામે બખાળા કાઢવામાં કુખ્યાત ટ્રમ્પે ઈરાન સામેના જંગમાં નાટો દેશોનો સહયોગ ન મળતાં
ભારે નારાજ છે. તેમણે આ સંગઠનને નબળું ગણાવી દીધું છે. ઈરાન સામેના જંગના સંદર્ભમાં
નાટો દેશોના અલગ વલણ અને અમેરિકા ફર્સ્ટની નીતિને આગ્રહભેર અનુસરતા ટ્રમ્પનાં વલણમાં
તેજોદ્વેષ સર્જાયો છે. આ સંજોગોમાં હવે નાટો
જોડાણ તૂટી પડે એવી આશંકા સર્જાઈ છે. ટ્રમ્પે
કહ્યંy છે કે,
અમેરિકા નાટોમાંથી નીકળી જવાનું વિચારે છે. ટ્રમ્પની ઈચ્છા એવી હતી કે,
નાટો દેશો હોર્મુઝ સમુદ્રધુનિ ખોલવામાં અમેરિકાનો સહયોગ કરે,
પણ કોઈ નાટો દેશ આગળ ન આવતાં તેઓ ધુંઆપુંઆ છે. આમે પણ ટ્રમ્પ નાટો દેશોની સામે અલગ-અલગ કારણોથી
નારાજ રહ્યા છે. હવે ઈરાન સામેના જંગના મામલે
તેમણે આ સંગઠનથી છેડો ફાડવાનો ઈરાદો વ્યક્ત કરીને આ દેશોમાં રાજદ્વારી હલચલ જગાવી છે.
ટ્રમ્પે હોર્મુઝના મામલે નાટો દેશોને દળો મોકલવા અનુરોધ કર્યો હતો. કોઈ દેશે તેમના આ અનુરોધને ગણકાર્યો ન હતો. ઊલટું બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઈરાન સામેનો
અમેરિકાનો જંગ તેમનો (બ્રિટન) ન હોવાનો જવાબ આપીને બળતામાં ઘી હોમ્યું છે. ટ્રમ્પે એમ પૂછતાં રહ્યા છે કે, અમે આખી દુનિયા માટે અને તેમાં ખાસ તો નાટો માટે લડી રહ્યા છીએ, પણ યુરોપે તો અમેરિકાના ઈરાન સામેના જંગના મામલે વિરોધ કરીને વાતને વધુ વણસાવી
છે. સ્પેને તો તેની હવાઈ સીમા પરથી અમેરિકાનાં યુદ્ધ વિમાનોના ઉડ્ડયનની મનાઈ ફરમાવી
દીધી છે.
આમ આ બધા સમીકરણો અમેરિકાને નાટો અને યુરોપથી અળગું કરવામાં કારણરૂપ બની રહ્યા
છે. આમે પણ ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમ્યાન નાટોમાં અમેરિકાના આર્થિક સહયોગના
મામલે ભેદભાવના આરોપ લગાવ્યા હતા. 2014માં નાટો દેશો વચ્ચે નક્કી થયું હતું કે, દરેક સભ્ય દેશ પોતાના જીડીપીનો બે ટકા હિસ્સો
સંરક્ષણ માટે ફાળવશે. તે સમયે અમેરિકાને વાંધો હતો કે અન્ય દેશો આ વાતનો અમલ કરતા ન
હતા. હવે નાટો દેશો પણ વધુ આર્થિક અને લશ્કરી સહયોગ આપતા થયા છે. આમ છતાં પોતાનો મોટો આર્થિક અને લશ્કરી સહયોગ હોવાથી નાટોનું નેતૃત્વ મળવું જોઈએ એવો આગ્રહ
હવે અમેરિકા કરે છે. તેમાં પણ ઈરાન સામેના
જંગમાં નાટો દેશોનાં વલણે વાતને વણસાવી છે. ટ્રમ્પ હવે નાટોને કાગળનો વાઘ કહે છે. આમ
આવનારા સમયમાં ટ્રમ્પ નાટો સાથે છેડો ફાડવાના ઈરાદાનું પાલન કરે તો દુનિયામાં રાજદ્વારી
સમીકરણોમાં મોટો ફેરફાર થઈ શકે છે. નાટો દેશોએ
અમેરિકાને મનાવવાનો માર્ગ ખોળવો પડશે અથવા એકલા આ સંગઠનની તાકાતને જાળવવાનાં પગલાં
લેવાં પડશે.