ભુજ, તા. 5 : મુંબઈગરાના પતિ અને સાસરિયાએ
ગઢશીશાની પરિણીતાને મહેણાં-ટોણા મારી તરછોડી પિયરમાં મૂકી દઈને પતિએ ધામધૂમથી બીજાં
લગ્ન કરી લીધાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઈકાલે ગઢશીશા પોલીસ મથકે, મૂળ ગઢશીશાની ચનુભાઈ સંઘારની પુત્રી એવી ગીતાબેન
પ્રકાશભાઈ સાકરિયા (ઉ.વ. 32)એ નોંધાવેલી
ફરિયાદ મુજબ તેમના લગ્ન તા. 29/11/17ના
મૂળ બિદડા હાલે જુહૂ-મુંબઈ રહેતા શામજી ખીમજી સાકરિયાના પુત્ર પ્રકાશ સાથે થયા હતા.
ફરિયાદમાં લખાવ્યા મુજબ લગ્નના થોડા સમય બાદથી જ સાસુ રમીલાબેન, સસરા શામજીભાઈ, દિયર જયેશ
અને પતિ પ્રકાશ દ્વારા મને મારા અભ્યાસને લઈ `તું અભણ,
કદરૂપી અને માંગલિક છો' તેવા મહેણાં-ટોણા મારી
માનસિક રીતે પરેશાન કરવા લાગ્યા હતા. લગ્નના દશેક મહિના બાદ દિયર જયેશનાં લગ્ન ગઢશીશા
ખાતે હોઈ અમે સસરાનાં ઘરે ગઢશીશા રોકાયા હતા. થોડા દિવસ બાદ સાસુએ કહ્યું તું અહીં
આપણા ઘરની સાફસફાઈ કરજે હું મુંબઈ જઈને ખરીદી કરી આવું કહીને નીકળી ગયા હતા. દિયરનાં
લગ્ન બાદ પણ મને સાથે મુંબઈ લઈ ગયા ન હતા. મારા પિતાએ સસરાને મને મુંબઈ ન લઈ જવા પાછળનું
કારણ પૂછતાં તેણે જણાવ્યું કે, તમારી દીકરી માંગલિક છે,
તેની પૂજા કરાવવી પડશે જેથી હાલમાં ગીતાને તમારા ઘરે ગઢશીશા રાખો. આ
બાદ બે વર્ષ સુધી પતિ તેઓનાં ઘરે ન લઈ ગયા અને પતિ પ્રકાશ ગઢશીશા આવ્યા ત્યારે મંગળ
ગ્રહની પૂજા કરાવી હતી. આ બાદ પણ મુંબઈ પરત એકલા ચાલ્યા ગયા હતા. આ બાદ એક વર્ષ પછી
પણ રતડિયા ખાતે ફરી પતિએ મંગળની પૂજા કરાવી હતી અને ફરી સાથે લઈ ગયા ન હતા. હકીકતમાં
માંગલિકનો કોઈ પ્રશ્ન ન હોવા છતાં નવા-નવા બહાના બનાવી રહ્યા હતા. બન્ને પરિવાર વચ્ચે
સમજાવટની વાતચીત ચાલતી હતી. કોઈ પણ પ્રકારની છૂટાછેડાની વાત થઈ ન હતી છતાં તા. 13/2/26ના પતિ પ્રકાશ દ્વારા ભચાઉ
તાલુકાના લખપત (નવાગામ)ના રહેવાસી પ્રવીણ ખીમજી છુછિયાની દીકરી અંકિતા સાથે ધામધૂમથી
બીજાં લગ્ન કરી લીધાં હતાં, જેના લગ્નના
ફોટાઓ તથા અન્ય પુરાવા પણ ફરિયાદી પાસે હોવાનું ફરિયાદમાં લખાવ્યું છે. પોલીસે માનસિક
ત્રાસ, છૂટાછેડા લીધા વિના બીજાં લગ્ન અને કાવતરું ઘડવા સંબંધેની
કલમો તળે પતિ, સાસુ, સસરા, દિયર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.