• રવિવાર, 05 એપ્રિલ, 2026

રિઝવી ઈમ્પેક્ટ : મુંબઈ સામે દિલ્હીની જીત

નવી દિલ્હી, તા. 4 : આઈપીએલ 2026ના આઠમી મેચમાં દિલ્હીનો સામનો મુંબઈ સાથે થયો હતો. દિલ્હીમાં રમાયેલા આ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે છ વિકેટે જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હીને જીત માટે 163 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેને 18.1 ઓવરમાં આંબી લીધું હતું. દિલ્હી કેપિટલ્સ માટે રનચેઝમાં ઈમ્પેક્ટ પ્લેયર સમીર રિઝવીએ તોફાની 90 રન કર્યા હતા. દિલ્હીની સિઝનમાં આ સતત બીજી જીત છે, જ્યારે મુંબઈને પહેલી વખત હાર મળી છે. દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી અને કેએલ રાહુલ માત્ર એક રને આઉટ થયો હતો. બાદમાં નીતીશ રાણા શૂન્યમાં રનઆઉટ થયો હતો. પથુમ નિસંકા અને ઈમ્પેક્ટ સબ સમીર રિઝવી વચ્ચે ત્રીજી વિકેટ માટે 66 રનની ભાગીદારી થઈ હતી. નિસંકાએ 30 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું. તેને મિચેલ સેન્ટનરે આઉટ કર્યો હતો. બાદમાં રિઝવી અને મિલર વચ્ચે ચોથી વિકેટ માટે 78 રનની ભાગીદારી થઈ હતી અને મેચ એકતરફી બની ગઈ હતી. સમીર રિઝવીએ 51 બોલમાં સાત છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 90 રન કર્યા હતા, જ્યારે મિલરે 18 બોલમાં 21 રન કરીને દિલ્હીને જીત અપાવી હતી. આ અગાઉ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈએ છ વિકેટે 162 રન કર્યા હતા. મુંબઈએ પાવર પ્લેમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. રિયાન રિકલ્ટન અને તિલક વર્માને એક જ ઓવરમાં મુકેશ કુમારે ચાલતા કર્યા હતા. બીજી તરફ રોહિત શર્માએ 35 રન કર્યા હતા. સૂર્યકુમારે શાનદાર બેટિંગ કરતા ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 36 બોલમાં 51 રન કર્યા હતા. આ ઉપરાંત નમન ધીરે 28 અને મિચેલ સેન્ટનરે 18 રન કર્યા હતા. 

Panchang

dd