નંદુરબાર (મહારાષ્ટ્ર), તા. 5 : કચ્છના લખપત
તાલુકાના જાડવા ગામના રબારી ભારાભાઈ મંગુભાઈ અને તેમના પુત્ર રબારી મંગલ ભારાભાઈના
32 ઊંટને મહારાષ્ટ્રના નંદુરબાર
જિલ્લાના શાહદા પોલીસ સ્ટેશનમાં અટકમાં લેવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ નોંધાવી
તપાસ માટે શહાદા પોલીસની ચાર પોલીસકર્મીની ટીમ છેક કચ્છ આવી હતી. શહાદા પોલીસ દ્વારા
કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.ત્યાંની કોર્ટે ઊંટોનો કબજો તેના મૂળ
માલિકને સોંપવાનો વચગાળાનો હુકમ આપ્યો હતો. મહારાષ્ટ્રના ફરિયાદીઓ દ્વારા આ હુકમ પર
સ્ટે માગવામાં આવ્યો હતો, જેની શાહદા
કોર્ટની રિવિઝનલ બેન્ચ દ્વારા સુનાવણી જ ચાલુ રહેતાં જેથી કેસ લંબાયો હતો. છેવટે અરજીકર્તા
ભારાભાઈએ મહારાષ્ટ્રની હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચમાં અરજી કરતાં હાઈકોર્ટમાં સુનાવણી
ચાલી હતી. તે દરમ્યાન 32 ઊંટનો શાહદા
કોર્ટનો આખરી હુકમ આવે ત્યાં સુધી વચગાળાનો કબજો સોંપવામાં આવ્યો હતો. ઔરંગાબાદ હાઈકોર્ટની
બેન્ચે નોધ્યું કે, શાહદા પોલીસ
દ્વારા રજૂ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટમાં જણાવ્યા મુજબ પોલીસની તપાસ ટીમ દ્વારા
સરકારી પશુ ચિકિત્સા અધિકારીની મદદ લઈને ઊંટો પર કોઈ પ્રકારની ક્રૂરતા થઈ છે કે કેમ
તે સંબંધિત તપાસ કરતાં ઊંટો પર તેના માલિક દ્વારા કોઈ પ્રકારની ક્રૂરતા થઈ હોય તેમ
જણાઈ આવ્યું નથી અને ઊંટ સ્વસ્થ હોવાનો રિપોર્ટ રજૂ કરતાં પોલીસ દ્વારા પોલીસ તપાસ
અને પશુ ચિકિત્સા અધિકારીનાં ફિટનેશ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.
હાઈકોર્ટે વધુમાં નોધ્યું કે, ઊંટોનો વચગાળાનો કબજો પહેલેથી જ
તેના માલિકને સોંપી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ક્લોઝર રિપોર્ટ રજૂ કરી દેવામાં
આવ્યો છે, તેથી રિવિઝનલ બેન્ચ દ્વારા મૂકવામાં આવેલ સ્ટે આપોઆપ
નિરસ્ત થઈ જાય છે, જેથી રિવિઝનલ કોર્ટના ઓર્ડરને રદ કરવામાં આવે
છે. આ અંગે ભારાભાઈએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાની આ કાનૂની
લડાઈ વચ્ચે વ્યથિત થઈ ગયો છું અને થાકી ગયો છું કે હવે આ ઊંટોને મહારાષ્ટ્ર કે છત્તીસગઢ
તરફ માલધારીઓ સુધી પહેંચાડવા માટે આગળ જવાને બદલે ઊંટોને લઈને કચ્છ પરત લાવીશ,
તેઓ પોતે વૃદ્ધ છે, શરીરમાં લોહીની બીમારી હોવાથી ભુજથી નિયમિત દવા લેવાની હોય છે, તે પણ લઈ શક્યો નથી અને હવે થાકી ગયો છું, ઊંટ પણ થાકી
ગયા છે, ચરવાનું પૂરતું છે નહીં, જેથી ઊંટોને
કચ્છ પરત લાવવા સિવાય છુટકો નથી. તેમણે જણાવ્યું કે, જીવદયાને
નામે અમને હેરાન કરીને જીવદયાને બદલે આ અબોલ જીવોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે.
હાઈકોર્ટના ઓર્ડરથી રાહત તો મળી છે, પરંતુ હવે આ 32 ઊંટોનું શું કરવું તે સૌથી
મોટો સવાલ માલધારીને પજવી રહ્યો છે, તેમ સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું હતું.