ભુજ, તા. 5 : કચ્છમાં અનુભવાતાં વિષમ વાતાવરણ
વચ્ચે મહત્તમ પારો બે ડિગ્રી જેટલો ઊંચકાતાં રવિવારે જિલ્લામાં તાપનો પ્રભાવ વર્તાયો
હતો. હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભની અસરથી મંગળવારે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ગાજવીજ
સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. માવઠાંના દોર બાદ ગરમીનો પ્રભાવ વધે તેવીય
સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભુજમાં મહત્તમ તાપમાન ઊંચકાઇ 35.3 ડિગ્રીએ પહોંચતાં કચ્છનું મુખ્ય
મથક રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ નગર બન્યું હતું. કંડલા (એ.) ક્ષેત્રમાં 34, નલિયામાં 32.4 અને કંડલા પોર્ટમાં 33.1 ડિગ્રી સામે લઘુતમ પારો 19થી 22 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. વહેલી સવારે ભેજયુક્ત મહત્તમ પારો ઊંચકાતાં માહોલમાં શિતળતા અનુભવાયા બાદ દિવસ ચડતાં તાપે પોતાનું
જોર દેખાડવાનું શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી વાતાવરણીય વિષમતાના
કારણે વિવિધ વાયરલ રોગોનું પ્રમાણ વધતું જતું જોવા મળ્યું હતું.