વોશિંગ્ટન, તા. 5 : જો હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવામાં
નહીં આવે તો યુનાઇટેડ સ્ટેટ્સ મંગળવારે ઈરાનને નરક બનાવશું અને તેના પાવર પ્લાન્ટ અને
પુલોને નિશાન બનાવશે તેવું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પોતાના સોશિયલ
મીડિયામાં ધમકી આપતાં કહ્યું હતું. ચેતવણી આપતી આ પોસ્ટમાં ટ્રમ્પે અનેક અપશબ્દોનો
પણ પ્રયોગ કરી નાખ્યો હતો. દરમિયાન, એક મુલાકાતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે,
ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે અને સોમવાર સુધી સમજૂતી શક્ય છે. રાષ્ટ્રપતિએ
કહ્યું હતું કે, તેઓ સોમવારે ઓવલ ઓફિસમાં એક કોન્ફરન્સ પણ કરશે.
એક મીડિયા હેવાલ મુજબ, ટ્રમ્પે પોસ્ટમાં ઈરાનને ચેતવણી આપતાં
લખ્યું હતું કે, જો 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેઈટ ફરીથી ખોલવામાં નહીં આવે તો મંગળવારે
ઈરાનમાં પાવર પ્લાન્ટ દિવસ અને બ્રિજ દિવસ હશે. યુ.એસ. અને ઇઝરાયલે એક મહિના કરતાં
વધુ સમયથી ઈરાન પર હુમલા કરી રહ્યા છે, જેમાં સૈન્ય ઠેકાણા ઉપરાંત તેહરાનમાં
નિર્માણાધીન પુલ પર પણ હુમલો કરાયો હતો. ટ્રમ્પે ફરી ચેતવણી આપતાં વિશ્વભરના દેશોમાં
ચિંતા ફેલાઈ છે અને વિચારી રહ્યા છે કે મંગળવારે ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકા કયા
સ્તરની આક્રમકતાનો ઉપયોગ કરશે. નોંધનીય છે કે, ટ્રમ્પે ભૂતકાળમાં
ઘણી વખત ઈરાનને ચેતવણી આપી છે. ક્યારેક તેમણે પાંચ દિવસ, તો ક્યારેક
10 દિવસનો સમય આપ્યો હતો, ક્યારેક તેમણે થોડા અઠવાડિયાની વાત કરી હતી.
દરેક વખતે, વાટાઘાટોનો ઉલ્લેખ કરીને સમયમર્યાદા લંબાવવામાં આવી
હતી અથવા નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો.