• રવિવાર, 05 એપ્રિલ, 2026

કચ્છનો સમૃદ્ધ સાગરકાંઠો

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : ગુજરાતના બંદરોનો આર્તનાદ... કચ્છનાં જાહેરજીવનના અભ્યાસુ અગ્રણી મહેશભાઈ ઠક્કરે 1982માં પ્રસિદ્ધ કરેલી સંદર્ભ પુસ્તિકામાં પંડિત જવાહરલાલ નેહરુનું કંડલા બંદર વિષે ટાંચણ છે. 10મી જાન્યુઆરી 1952ની તારીખ... પંડિજીએ કહ્યું કે `સમગ્ર ભારતના ચિત્રમાં તેના એક ચિત્ર તરીકે હું કંડલા બંદરનાં કાર્યને નિહાળું છું ત્યારે સવિશેષ રાચું છું. આ શિલારોપણવિધિથી નૂતન ભારતનો પાયો નાખ્યો છે. આ બંદરમાં મૂકવામાં આવતી એક એક ઈંટ નૂતન ભારતના ચણતરની ઈંટ છે. આ કાર્ય સમગ્ર દેશની જનતાનું છે.' ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિતજીએ કંડલા બંદરના નિર્માણને જનતાના ભલા માટે લેખાવ્યું હતું. આ ધારણા દાયકાઓ પછી અક્ષરશ: સાચી પડી છે. દીનદયાળ પોર્ટના નામે ઓળખાતાં પશ્ચિમ ભારતના આ ધમધમતા બંદરે અનેક સફળતા અને વિક્રમોના વાવટા ફરફરી રહ્યા છે. દીનદયાળ પોર્ટે તાજેતરમાં 158 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ સાથે દેશના મહાબંદરોમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. બીજી તરફ ખાનગી ક્ષેત્રના એશિયાના પ્રથમ અદાણી પોર્ટે પણ 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગ સાથે ઐતિહાસિક સીમાચિહ્ન અંકિત કર્યું છે. પાંચમી એપ્રિલે મેરિટાઈમ ડે ઊજવાઈ રહ્યો છે ત્યારે પશ્ચિમ ભારતના સાગરકાંઠે નૂતન ભારતના નિર્માણના બે ઝળહળતા રત્નોની વાત કરીએ. કંડલા અને મુંદરા સાથે નાનાં બંદરોનો વિકાસ તમામ કચ્છ બલ્કે દેશ માટે ગેમચેન્જર છે. ભારત 75 હજાર કિલોમીટર લાંબો સમુદ્રકાંઠો ધરાવે છે.  2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના  લક્ષ્યમાં દેશના બંદરોએ ચાવીરૂપ ભૂમિકા ભજવવાની છે. આ વખતે મેરિટાઈમ દિવસનો મુખ્ય વિચાર છે : મેરિટાઈમ ઈન્ડિયા - પ્રગતિ કો સશક્ત બનાના. ભારત એક અગ્રણી વૈશ્વિક શિપિંગ શક્તિ બનવાનું સપનું જોઈ રહ્યું છે. ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠામાંથી 23 ટકા  એટલે કે 352 કિ.મી. દરિયાકાંઠો કચ્છને મળ્યો છે. કચ્છનો કાંઠો સપાટ છે. લખપતથી કંડલા સુધી 352 કિ.મી. પર સાગરના જોરદાર પ્રવાહોનાં કારણે મોટી ખાડીઓ અને નદીઓના પ્રવાહોના લીધે નાની ખાડીઓનું સર્જન થયું છે. `કચ્છનો સર્વાંગી ઈતિહાસ'માં હસમુખ અબોટીએ નોંધ્યું છે કે, અમુક ખાડીઓમાં કાયમ પાણી ભરાયેલાં રહે છે. કચ્છના બંદરોની પોઝિશન પર દૃષ્ટિપાત કરીએ તો કોરીક્રીક પર લખપત અને કોટેશ્વર, બોચા ખાડી પર મુંદરા, ગોડિયા ક્રીક પર જખૌ બંદર આવેલાં છે. સમુદ્રનો ભાગ અંદર ઘૂસી જવાનાં કારણે સુરક્ષિત બંદરનો લાભ કંડલાને મળ્યો છે. લખપત સિંધુના મુખ પર આવેલું છે. માંડવી બંદર કચ્છના દક્ષિણ દિશામાં સ્થિત છે. કચ્છી બાંધણીના જહાજોના નિર્માણમાં માંડવીની વિશેષતા છે. એક સમયે માંડવીથી કરાચીનો સીધો સંપર્ક (વાયા મુંબઈ) હતો. આજે પણ આરબ દેશો, આફ્રિકા દેશો અને યુરોપ સાથે માંડવીનો સંપર્ક છે. ભારત  પાકિસ્તાનના ભાગલા બાદ કરાચી બંદરની અવેજીમાં વિકસાવાયેલું દીનદયાલ પોર્ટ  (અગાઉનું કંડલા પોર્ટ) આજે સાડા સાત દાયકામાં દેશનું નંબર વન મહાબંદર બન્યું છે. 75 વર્ષમાં પોર્ટનો ક્રમશ: નોંધપાત્ર વિકાસ થયો છે અને આગામી સમયમાં વધુ માળખાકીય અને આધુનિકતા સાથે મેગા પોર્ટ  બનવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. ઈતિહાસ જોઈએ તો કચ્છના મહારાવ દ્વારા કંડલા ક્રીક વિસ્તારમાં વર્ષ 1931માં જેટી બંધાવાઈ હતી. કરાચી બંદરની અવેજીમાં 1948માં રચાયેલી વેસ્ટ કોસ્ટ ડેવલોપમેન્ટ કમિટી દ્વારા પોર્ટ કાર્યરત કરવા માટે કંડલાની પસંદગી કરવામાં આવી હતી. 1952માં વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કંડલા મહાબંદરનો પાયો નખાયો. દેશના પશ્ચિમી કિનારાના મુખ્ય બંદર તરીકે કાર્યરત થયા બાદ વર્ષ 1955માં  દેશના તત્કાલીન ટ્રાન્સપોર્ટ  મંત્રી  લાલબહાદુર શાત્રીએ 8 એપ્રિલ 1955ના કંડલાને મહાબંદર તરીકે જાહેર કર્યું હતું. નિર્માણ કરાયેલી પ્રથમ કાર્ગો જેટી 1957માં કાર્યરત કરાઈ હતી, બાદમાં વધુ બે કાર્ગો જેટીનું નિર્માણ કરાયું.  50ના દાયકામાં  શરૂ થયેલા પોર્ટના વિકાસની રફતાર તેજ રહી છે. પ્રવર્તમાન સમયમાં કંડલા બંદરે કુલ 16 કાર્ગો જેટી  અને 8 ઓઈલ જેટીમાં કાર્ગો હેન્ડલિંગ થઈ  રહ્યું છે.. સમય  સાથે પોર્ટને  વધુ આધુનિક બનાવાયું છે. વર્ષ 1957-58માં 8.44 લાખ મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનારા મહાબંદરે  આજે 2026માં  દેશના તમામ મહાબંદરોમાં સર્વાધિક 160.11 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નંબર વન પોર્ટ બન્યું છે. આ ઉપરાંત પોર્ટને વધુ આધુનિક બનાવવા મેગ્નેટિક રેલ, સહિતના પ્રકલ્પો અમલમાં  લાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ડીપીએને ગ્રીન હાઈડ્રોજન હબ  જાહેર કરાયું છે તે અંતર્ગત અબજોનું મૂડીરોકાણ કંડલા બંદરે આવશે અને હાઈડ્રોજનના ઉત્પાદનની દિશામાં પણ ઝડપભેર પગલાં લેવાયાં છે. તાજેતરમાં જ  દેશમાં  પ્રથમ વખત મિથેનોલ બંકરિંગનું સફળ પરીક્ષણ પોર્ટ દ્વારા કરાયું છે. આ ઉપરાંત તુણા ટેકરા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલનું બાંધકામ ડીપી વર્લ્ડ દ્વારા તેજ ગતિએ ચાલી  રહ્યું છે.  તેમજ  57 હજાર કરોડના ખર્ચે શિપ બિલ્ડિંગ યાર્ડ અને મધદરિયે  મેગા પોર્ટના નિર્માણનો પ્રકલ્પ પણ આગળ ધપી રહ્યો છે. પોર્ટ દ્વારા દેશના મહાબંદરો નહીં હવે વિશ્વના મહાબંદરો સાથેની સ્પર્ધામાં ઊતરવા માટેની દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરાયા છે. અને છેલ્લે વાત મુંદરાની. ભારતમાં માળખાંકીય વિકાસ આધારિત પરિવર્તનમાં અદાણી પોર્ટ ધ્વજવાહક ભૂમિકામાં છે. મેરિટાઈમ ડેના બે દિવસ પૂર્વે અદાણી પોર્ટે 500 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો વિક્રમ કર્યો એ નિમિત્તે કંપનીના સર્વેસર્વા ગૌતમ અદાણીએ લાગીણીભર્યા પ્રતિભાવ આપ્યા છે. મુંદરા એક નાનું બંદર હતું જે આજે અદાણી પોર્ટ અને સેઝનું કેન્દ્ર બન્યું છે. અદાણી સમૂહ ભારતીય માળખાંગત સુવિધાઓનું હાર્દ છે. 

Panchang

dd