નલિયા, તા 5 : અબડાસા તાલુકાના ગુડથરમાં મહેશ્વરી
સમાજના યાત્રાધામ મોટા મતિયાદેવના સ્થાનકે ત્રિદિવસીય મેળો (યાત્રા મહોત્સવ) યોજાયો
હતો. પ્રથમ દિવસે શનિવારની સાંજે મહાઆરતીમાં મોટી સંખ્યામાં આવેલા ભાવિકોએ લાભ લીધો
હતો. બીજા દિવસે રવિવારે મેળામાં કચ્છ તેમજ ગુજરાતના રાજકોટ, જામનગર સહિતના વિવિધ જિલ્લાઓમાંથી તેમજ મધ્યપ્રદેશ
સહિત વિવિધ રાજ્યોમાં વસતા મહેશ્વરી સમાજના ભાઈ-બહેનો પગપાળા તેમજ વાહનો મારફતે આવી
મેળામાં મહાલ્યા હતા અને મતિયાદેવના દર્શન કર્યા હતા. આજે ધૂપ (પેડી પ્રસાદ),
બારમતી પંથ સહિતના કાર્યક્રમો
યોજાશે. મેળામાં કટલેરી, રમકડાં, ખાણી-પીણીના
સ્ટોલ સાથેની બજારો, મનોરંજન માટે ચગડોળ, બ્રેક ડાન્સ સહિતની અનેકવિધ રાઈડ ઊભી કરાઇ હતી. યાત્રાળુઓ માટે એસ.ટી. વિભાગ
તરફથી બસની વ્યવસ્થા કરાઈ હતી. મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ
દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટ તેમજ યુવા
કાર્યકરો સહયોગ આપી રહ્યા હોવાનું યાદીમાં જણાવાયું હતું.