• સોમવાર, 06 એપ્રિલ, 2026

આજે જાહેરનામાંની પ્રસિદ્ધિ સાથે જ ચૂંટણી જંગનાં વિધિવત મંડાણ

ભુજ, તા. પ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની સત્તાવાર તારીખ જાહેર થયા બાદ સોમવારે જાહેરનામાંની પ્રસિદ્ધિ સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું કાર્ય આરંભાઈ જશે. જાહેરનામાંની પ્રસિદ્ધિ સાથે જ કચ્છમાં ચૂંટણીનો ધમધમાટ વધુ વેગ પકડશે. 6 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો 11મી તારીખ સુધી ફોર્મ ભરી શકશે. 1પમી તારીખે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. - 448 બેઠક માટે મતદાન : કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકાની 13 વોર્ડની બાવન બેઠક, પાંચ નરગપાલિકાના 43 વોર્ડની 172 બેઠક, નવ તાલુકા પંચાયતની 186 બેઠક અને જિલ્લા પંચાયતની 38 બેઠક મળી કુલ 448 બેઠક માટે 26 એપ્રિલના મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે. 14.0 લાખ મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. - મિલકત, બાકી લેણાં, પોલીસ કેસની વિગત આપવી પડશે  : મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી લડવા માટે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા અલગ-અલગ વિગત દર્શાવતું ઉમેદવારી ફોર્મ જારી કર્યું છે. ચૂંટણી જંગમાં ઝુકાવનારા ઉમેદવારેએ આ ફોર્મમાં પોતાની પાસે કેટલી મિલકત છે, કોઈ બાકી લેણું હોય અને કોઈ ગુના સબબ પોલીસ કેસ દાખલ થયો હોય તો તેની વિગત ફરજિયાત સોગંદનામાં રૂપે આપવી પડશે. મનપા, નગરપાલિકા અને જિલ્લા - તાલુકા પંચાયત માટે ડિપોઝિટની અલગ-અલગ રકમ નક્કી કરવામાં આવી છે. - આર.ઓ., એ.આર.ઓ. પાસે ફોર્મ ભરી શકાશે  : રાજ્ય ચૂંટણીપંચના આદેશથી કચ્છમાં ચૂંટણી કામગીરીને પાર પાડવા મહાનગરપાલિકામાં ત્રણ આર.ઓ. અને ત્રણ એ.આર.ઓ., નગરપાલિકામાં  સાત એ.આર. અને સાત એ.આર.ઓ., તાલુકા પંચાયતમાં 22 આર.ઓ. અને 22 એ.આર.ઓ., જ્યારે જિલ્લા પંચાયતમાં 10 આર.ઓ. અને 17 એ.આર.ઓ.ની નિયુક્તિ કરાઈ છે. ચૂંટણી જંગમાં ઝુકાવનારા મુરતિયાઓ મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ પાસે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે. - ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ :  જાહેરનામાંની પ્રસિદ્ધિ  તા. 6 એપ્રિલ - ફોર્મ ભરવાની અંતિમ તા. 11 એપ્રિલ - ભરાયેલ ફોર્મની ચકાસણી તા. 13 એપ્રિલ - ઉમેદવારી ફોર્મ પરત કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ - મતદાન 26 એપ્રિલ - મતગણતરી 28 એપ્રિલ 

Panchang

dd