અમદાવાદ, તા. 2 : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા
છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. તેની વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ, વડોદરા અને સુરતમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં
આવી છે. જેમાં ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચવા
માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટણી લડવા ઇચ્છુકોએ ફોર્મમાં સોશ્યલ
મીડિયા પ્લેટફોર્મ અને તેમાં ફોલોઅર્સની વિગતો ફરજીયાત માંગવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની
ચૂંટણીમાં યુવા મતદારો સૌથી વધુ હોવાથી ઋઊગ ણ
મતદારોને આકર્ષવા સોશ્યલ મીડિયાનો સહારો લેવામાં આવશે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર
સોશ્યલ મીડિયામાં કેટલા એક્ટિવ છે તેના પર થી ટીકીટ આપવી કે નહીં તે નક્કી થશે. આ સાથે જ સામાજિક શિસ્તના ભાગરૂપે ચૂંટણી લડવા ઈચ્છુક
ઉમેદવારના ઘરે શૌચાલય હોવું પણ અનિવાર્ય રહેશે. ભાજપ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી સરલ એપ્લીકેશન
અને નમો એપ્લિકેશન પર ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરો સોશ્યલ મીડિયામાં
ક્યાં ક્યાં પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે તેની વિગતો ઉમેરવામાં આવી હતી. જેનો ભાજપ
દ્વારા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય રીતે પહેલા સેન્સ પ્રક્રિયા કરવામાં
આવતી તેમાં સમર્થકોનો મત્ત લેવામાં આવતો હતો જોકે આ વખતે સમર્થકો(ટોળા શાહી) નહિ તેવો
આદેશ આપવામાં આવ્યો છે. જેને બદલે ઉમેદવારી માટે ઈચ્છા ધરાવતા વ્યક્તિના પરિચય પત્ર(ફોર્મ)માં
સોશ્યલ મીડિયા એકાઉન્ટની વિગતો માંગવામાં આવી છે. જેમાં કેટલા ફોલોઅર્સ છે તેની પણ
વિગત લખવી ફરજિયાત રાખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે જૂની પેઢીના પૂર્વ કોર્પોરેટરોના
પત્તા કપાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહે છે. કારણ કે પૂર્વ કોર્પોરેટરો સોશિયલ મીડિયામાં
સક્રિય નથી. ભાજપે આ વખતે ઉમેદવારી ફોર્મમાં સોશિયલ મીડિયા ની વિગતો અને નમો એપ ના
વપરાશ અંગેની માહિતી પણ માંગી છે. ઉમેદવારે પોતાના ફોલોઅર્સની સંખ્યા અને સંગઠનમાં
કરેલી કામગીરીની વિગતો આપવી પડશે. સાથે જ, કોઈ પણ ફોજદારી ગુનો કે પોલીસ કેસની માહિતી છુપાવી શકાશે નહીં. મહાનગરપાલિકાઓની
ચૂંટણી લડવા ઇચ્છતા ભાજપ કાર્યકરોના મોબાઈલમાં સરલ એપ અને નમો એપ ડાઉનલોડ ન હોઈ તો
ફરજિયાત ડાઉનલોડ કરવાની રહે છે. સરલ એપમાં સક્રિય સભ્ય થી લઈ સોસિયલ મીડિયા પ્લેટફોર્મ
અને ફોલોઅર્સની વિગત, બુથ નંબર, વિધાનસભા
સહિતની વિગત હોવાથી તમામ ઉમેદવારોના ડેટા ડિજિટલ રીતે પ્રદેશ ભાજપ ચકાસણી કરશે. - જૂના જોગીઓના
પતાં કપાશે ? : ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 60 વર્ષની વયમર્યાદા, ત્રણ ટર્મની મર્યાદા અને પરિવારવાદ મુક્તિ જેવા
નવા ધોરણો લાગુ કર્યા હોવાનું જાણવા મળે છે.
મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે
કેટલાક અત્યંત કડક અને નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,
પક્ષે આ વખતે યુવા લોહીને પ્રાધાન્ય આપવા અને એન્ટી-ઈન્કમ્બન્સી રોકવા
માટે `નો રિપીટ' જેવી આક્રમક વ્યૂહરચના અપનાવી છે.ચૂંટણી સમિતિની
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવે 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરોને
ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, જે ઉમેદવારો સતત ત્રણ ટર્મ થી પદ ભોગવી રહ્યા છે, તેમને
આ વખતે પડતા મૂકવામાં આવશે.