• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

સકલ અમંગલ મુલ નિકંદન જય હનુમાન...

ભુજ, તા. 2 : `શ્રીરામ દૂત શરણં પ્રપયે' જેનાં મનમાં શ્રીરામ, જેના (હૃદય) તનમાં શ્રીરામ, જગતમાં સૌથી જે છે બલવાન, એવા હનુમાન, સૂર્યને ગળી જનારા, સંકટોને હરનારા, પળેપળે રક્ષા કરનારા, કળિયુગમાં હાજરાહજુર એવા રામના પરમ ભક્ત, શિવના રુદ્રાવતાર, અંજનિ-કેસરી પુત્ર, બજરંગબલી, સંકટમોચન, મારુતિનંદન તરીકે ઓળખાતા, બળ-બુદ્ધિ-વિદ્યા અને ભક્તિના પ્રતીક હનુમાનના જન્મદિને ચૈત્રી પૂનમે હનુમાન જયંતી મહોત્સવની ભાવભેર ઉજવણી કરાઈ હતી. કચ્છભરમાં આવેલા મંદિરોમાં શોભાયાત્રા, હોમહવન, વિશેષ પૂજા, મહાઆરતી, હનુમાન ચાલીસા પાઠ સહિતના વિવિધ આયોજનો કરાયાં હતાં. - પ્રમુખસ્વામી નગરમાં ભાવિકો ઊમટયા : મુંદરા રિલોકેશન સાઈટ પ્રમુખસ્વામી નગરમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત હનુમાન જન્મોત્સવમાં પાંચેક હજારથી વધુ હનુમાન ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. સવારના મારુતિ હવન, સાંજના સુંદરકાંડના પાઠ, સાંજના મહાઆરતીનું આયોજન કરાયું હતું. ગિરિરાજસિંહજી જીવાનસિંહજી જાડેજા, નીઝરીબેન જિગરભાઈ માણેક, શિવસ્ય માણેક અને અલ્પેશભાઈ પટેલ, પૂર્વ નગરસેવક વોર્ડ નં. 11 સહયોગી દાતા તરીકે રહ્યા હતા.  વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભાજપ જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સાથે ટીમ દર્શનાર્થે આવી હતી. ટ્રસ્ટ અધ્યક્ષ મયૂરસિંહ જાડેજા, ટ્રસ્ટીઓ સુરેશભાઈ, હરકાંતભાઈ પંડયા, કલ્પનાબેન ચોથાણી, બિપિનભાઈ ઠક્કર, નિરંજનાબેન ભરતવાલા, ગોપાલભાઈ નાથબાવા, હિમંતભાઈ ધુકેર, પૂજારી જિજ્ઞેશ મારાજ દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ હતી. સમગ્ર જન્મોત્સવ અનેક દાતાઓના સહયોગથી ઉજવાયો હતો. - ભુજમાં હનુમાન ચાલીસા સ્પર્ધા : ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે હાટકેશ અંબિકા મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન હાથીના વડપણ હેઠળ હનુમાન ચાલીસા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આશાબેન સ્વાદિયા, પંડિત રોહિતભાઈ પાઠક અને અનુપમભાઈ શુક્લ વિજેતા રહ્યા હતા. સંચાલન આશિષભાઈ વૈદ્યે, આભાર દર્શન વારીસ પટણીએ કર્યું હતું. પાઠશાળાના સંચાલક વિભાકરભાઈ અંતાણી, દર્શનાબેન મુનશી સહયોગી રહ્યા હતા. - બિહારીલાલ મહાદેવ મંદિરે ઉજવણી : ભુજમાં બિહારીલાલ (દૂધેશ્વર) મહાદેવ મંદિરમાં પૂજન-અર્ચન, આરતી, સમૂહ હનુમાન ચાલીસાના પાઠ, રામધૂન, સુખડી પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. પૂજારી મુકુંદભાઈ પંડયા, ગુરુ વલ્લભપુરી ગોસ્વામી પરિવાર, મૌનીબાપુ સેવા સમિતિ, રૂપભાઈ ઠક્કર, નિકુંજભાઈ ધોળકિયા સહયોગી રહ્યા હતા. - ભુજમાં બાલા હનુમાનને બાંધણીના વાઘાનો શણગાર : ભુજના રણછોડવાડી વિસ્તારમાં આવેલા ભૂકંપ બાદ નમનિર્માણ પામેલા 9 ફૂટથી ઊંચી પ્રતિમા ધરાવતા બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી નિમિત્તે હનુમાન દાદાને બાંધણીના વાઘાનો વિશેષ શણગાર કરાયો હતો તેમજ સુખડીનો પ્રસાદ, મહાઆરતી, હનુમાન ચાલીસાના પાઠ  સહિતના કાર્યક્રમો યોજાયા હતા  - ભુજમાં ભક્તો દર્શનાર્થે ઊમટયા : ભુજમાં પડદાભીટ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી સાથે મેળાનો માહોલ સર્જાયો હતો. ભાવિકોનું ઘોડાપૂર દર્શનાર્થે ઊમટયું હતું. ભક્તો આરતી, પૂજન સહિતના કાર્યક્રમોમાં જોડાયા હતા. ભુજના ખાખચોક હનુમાન મંદિરે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા હતા. હનુમાનને આકડાની માળા, તેલ, નાળિયેર સહિતનો પૂજાપો ચઢાવીને ભક્તિભેર ઉજવણીમાં જોડાયા હતા. - મુંદરા તા.માં હનુમાન મંદિરોમાં ભીડ : મુંદરા નગર અને તાલુકાના આવેલા હનુમાનજીનાં મંદિરોમાં ગુરુવારે સવારથી રામભક્ત હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. મુંદરામાં હરિવાળા મોટા હનુમાન મંદિરે સુંદરકાંડના પાઠ સાથે આરતી, મહાપ્રસાદનું આયોજન થયું હતું. જ્યારે જૂના બંદર રોડ પર આવેલા રોકડિયા હનુમાનજી મંદિરે ગાયત્રી પરિવાર દ્વારા 11 કુંડી સુંદરકાંડ યજ્ઞનું આયોજન થયું હતું. રોકડિયા હનુમાન મંદિર સમિતિ અને સુંદરમ ગ્રુપના ઉપક્રમે બપોરે મહાપ્રસાદ બાદ સાંજે મહાઆરતી યોજાઈ હતી. જ્યારે કૃષ્ણા સોસાયટી સ્થિત મહાબલી હનુમાન મંદિર અને ઘનશ્યામ પાર્ક સ્થિત સંકટમોચન મંદિરસોસાયટી વિસ્તાર સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક આયોજન થયાં હતાં. - ગરીબ વસાહતમાં ભોજન : મુંદરા પોલીસ દ્વારા જનસેવાનાં માધ્યમથી હનુમાન જયંતીના ગરીબ વસાહતના બાળકોને ભોજન, પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘરની સેવા કરાઇ હતી. પી.આઇ. એસ. એમ. રાણાનાં માર્ગદર્શનમાં ટ્રાફિક ઇન્ચાર્જ સંજયસિંહ જાડેજા, કિશન ભરવાડ, યશપાલસિંહ ગોહિલ, મહિપતસિંહ વાઘેલા વિ.એ સહયોગ આપ્યો હતો. - પોર્ટ મધ્યે હોમ હવન : મુંદરા અદાણી પોર્ટ મધ્યે હોમહવન, સુંદરકાંડના પાઠ, મહાપ્રસાદ યોજાયો હતો. પૂજાવિધિમાં અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહના હસ્તે પૂજાવિધિ થઈ હતી અને ધજા ચડાવવામાં આવી હતી.  પૂજામાં મહેન્દ્ર સોલંકી, પુરુરાજાસિંહ ઝાલા, એડમિન સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, આશાપુરા ગ્રુપે સહકાર આપ્યો હતો. અદાણી પોર્ટના હનુમાનજી મંદિરના પૂજારી મનીષભાઈ કેવડિયાએ વ્યવસ્થા સંભાળી હતી.  હવનના આચાર્યપદે સૂરજ મારાજે વિધિ કરાવી હતી. - ભદ્રેશ્વરમાં જન્મોત્સવ : ભદ્રેશ્વર (તા. મુંદરા)માં આવેલા રોકડિયા હનુમાન મંદિરે ધ્વજારોહણ બાદ સાંજે સુંદરકાંડના પાઠ યોજાયા હતા. સાંજે મહાઆરતીમાં તાલુકાભરમાંથી લોકો દર્શનાર્થે ઊમટયા હતા. - નખત્રાણા પંચમુખા હનુમાન મંદિરે પૂજન-અર્ચન : નખત્રાણા તાલુકાના મંગવાણામાં આવેલા પ્રાચીન પંચમુખા હનુમાનજી મંદિરે પૂજન -અર્ચન કરીને ઉજવણી કરાઈ હતી. પૂજારી હરેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ પ્રાચીન મંદિર ગામની મધ્યમાં આવેલ છે. આ મંદિર 100 વર્ષ પૌરાણિક હોવાનું ગામનાં વડીલો જણાવે છે. વ્યવસ્થા હરેશભાઈ પંડ્યા, શૈલેશભાઈ પંડ્યા વિ. દ્વારા કરાઈ હતી. - માંડવીમાં હનુમાન જન્મોત્સવનો માહોલ : માંડવી તળાવવાળા નાકા પાસે બજરંગબલી હનુમાન મંદિરે ફૂલોના વિશેષ શણગાર સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. - રસલિયા હનુમાન મંદિરે હોમહવન : રસલિયા ગામે હનુમાન દાદાના સાંનિધ્યમાં આચાર્યપદે હર્ષદ મહારાજ, વિષ્ણુ મહારાજ દ્વારા હોમહવનમાં સુનીલભાઇ લિંબાણી પરિવાર સાથે હવનની વિધિ કરી હતી, ખીમજીભાઇ લિંબાણી, કેશવલાલ લિંબાણી, જીવરાજભાઇ રવાણી, મનજીભાઇ લિંબાણી, શિવગણભાઇ સાંખલા, હસમુખભાઇ ભાવાણી, જગદીશભાઇ લિંબાણી વિ. હાજર રહ્યા હતા. - જખણિયામાં મારુતિ યજ્ઞ, ધાર્મિક વિધિઓ : જખણિયા - માંડવી - ભુજ હાઇવે પર આવેલા બાલાજી હનુમાન મંદિરે મારુતિ યજ્ઞ, હવન, આરતી સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ સુમિત મહારાજ દ્વારા કરાઇ હતી. હવનના લાભાર્થી વીરજીભાઇ ભીમજીભાઇ પૂજાણી રહ્યા હતા. કાર્યક્રમમાં કાંતિભાઇ છભાડિયા, રવજીભાઇ ભુડિયા, નારાણભાઇ હાલાઇ, લાખાભાઇ સંઘાર, શામજીભાઇ રાજાણી સહિત અનેક હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. - ગઢશીશામાં જીવદયા પ્રવૃત્તિ સહિતનાં આયોજન : ગામના પ્રાચીન કંડાવાળા હનુમાન મંદિર ખાતે હનુમાન મિત્રમંડળ દ્વારા પૂર્વરાત્રિએ સંતવાણી યોજાઇ હતી. અંબાજી મંદિરના ચંદુમાની ઉપસ્થિતિમાં મહાઆરતી, સાંજે હનુમાન ચાલીસા સમૂહપાઠ તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. શિવાજી નગર ખાતે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે બાલાજી સેવા સમિતિ દ્વારા ચંદુમા અને દિલીપભાઇ જોષી દ્વારા ધર્મસભાનું આયોજન કરાયું હતું. ગાયોને નીરણ, શ્વાનોને રોટલા, પક્ષીને ચણ, જીવદયા પ્રવૃત્તિ કરાઇ હતી. રાઘવ ચૂડાસમા, દક્ષાબેન પરમાર અને રમેશભાઇ જોશીની સંતવાણી યોજાઇ હતી. લાલ હનુમાનજી મંદિર ખાતે રાજેન્દ્રગિરિ ગોસ્વામી દ્વારા ધાર્મિક આયોજન કરાયું હતું. સંકટમોચન હનુમાન મંદિર ખાતે સાધ્વી સુધાદાસજી મહારાજ દ્વારા પણ જીવદયાની પ્રવૃત્તિ સાથે હનુમાન ચાલીસા પાઠ તેમજ કષ્ટભંજન દેવ હનુમાન મંદિર, પ્રતાપનગર હનુમાનજી મંદિર, શિવનંદન હનુમાન મંદિર, શક્તિનગર હનુમાન મંદિર, બીટિયાવાળા હનુમાન (દેવપર-ગઢ) વિગેરે જગ્યાએ વહેલી સવારથી જ ભાવિકોની કતારો લાગી હતી અને પૂજન-અર્ચનનું આયોજન કરાયું હતું. - કોટડા (જ.) હમુનામભક્તિના રંગે રંગાયું : કોટડા જડોદર ખાતે જૂનાવાસ નાકાવાળા હનુમાન મંદિરે હોમ-હવન, પૂજન-આરતી, પંચમુખા હનુમાન મંદિરે એકાવન બટુકોને ભોજન, મહાઆરતી, સંતવાણી તેમજ ગામના નવ મંદિરમાં ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરાઇ હતી. બપોરે શોભાયાત્રા નીકળી હતી. મગનભાઇ ભગત, ખીમજી નાયાણી, પૂજારી કમલેશપુરી હીરાલાલ ભગત, સંતોષપુરી, દશરથ પાલ, રમેશભાઇ નાયાણી, શાંતિલાલ નાકરાણી, કિશોરભાઇ નાથાણી, કોલી સમાજ, રવજીભાઇ બાથાણી, પ્રેમજીભાઇ ભગત, સુરેશ વેલાણી સહિતના સહયોગી રહ્યા હતા. નખત્રાણા પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. શોભાયાત્રામાં મહેશભાઇ ગોસ્વામી દ્વારા સેવા પૂરી પડાઇ હતી. - ધોળાવીરા હનુમાન મંદિરે શૃંગાર આરતી : હનુમાન જયંતી પ્રસંગે ધોળાવીરા હનુમાન મંદિરે મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોમાં હજારથી વધુ ભક્તો જોડાયા હતા. -  રાપરમાં પવનસુતને 111 કિલો લાડુ પ્રસાદ : મોટાવાસમાં આવેલા રાપરિયા હનુમાનજીનાં મંદિરેથી સાધુ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઇ હતી. હનુમાન દાદાને 111 કિલોનો લાડુ ધરાવાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, રામાનંદી સાધુ સેવા ટ્રસ્ટના નવીનભાઇ, વિક્રમભાઇ, ગોવિંદરામ, ભવાનદાસ, ઋષિકેશ, ધીરજદાસ, બળવંતભાઇ ઠક્કર, તરુણદાન ગઢવી, ભીખુભાઇ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી, ગેલાડીવાડી, અયોધ્યાપુરી હનુમાન મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. 

Panchang

dd