• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

અંજારમાં ખેડૂત ખાતેદારોને રદ કરી રૂ. 44.21 કરોડનો દંડ

ભુજ, તા. 2 : ધરતીકંપ બાદ કચ્છમાં જમીનોમાં આવેલી તેજીના કારણે અનેક સ્થળે જે ખેડૂત નથી તેઓ ખેડૂત ખાતેદાર બની ગયા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. આવી જ રીતે એક ચોંકાવનારી વિગતો અંજારમાંથી બહાર આવી છે. અંજાર સીમમાં મૂળ ખેડૂત ધારણકર્તા ન હોવા છતાં ખેલીલાયક જમીન ખરીદી થઈ હોવાનું જણાવી અંજાર મામલતદારે બિનખેડૂત સાબિત કરી રૂા. 44.21 કરોડનો દંડ કરતો ચુકાદો આપતાં અંજાર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.  વિષયની વિગતો એવી છે કે, અંજારના ભૂપેન્દ્ર અમૃતલાલ પંડયા સામે જિતેશ મ્યાત્રાએ એવી ફરિયાદ કરી હતી કે, અંજાર સીમમાં જમીન ખરીદી કરવામાં આવી છે, પણ ખરીદનાર કે તેના વારસદારો મૂળ ખેડૂત નથી એટલે ખેતીની જમીન ખરીદી શકે નહીં. ફરિયાદીએ વિસ્તારપૂર્વક આધાર પુરાવા રજૂ કર્યા હતા.  તમામ દલીલો અને ભૂતકાળમાં ક્યાં કોનાં નામે જમીનો દાખલ થયેલી હતી તેની વિસ્તૃત તપાસ અને બન્ને પક્ષે દલીલો-પુરાવાને ધ્યાને લઈ અંજાર મામલતદાર બી.વી. ચાવડાએ ગણોતધારા અને કલમ 89નો ભંગ લેખાવતાં હુકમ કર્યો છે કે, ભૂપેન્દ્ર અમૃતલાલ પંડયા તથા વેચાણથી ભૂમિ લેનાર તેમના પત્ની ખેડૂત ખાતેદાર નથી તેવું સાબિત થાય છે. તેમણે જમીન વેચાણ વ્યવસ્થા ગેરકાયદે લેખાવી ત્રણ ગણી રકમનો એટલે કે 44,21,75,880નો દંડ કર્યો હતો. સાથે પતિ-પત્નીને અંજાર સીમની જમીનમાંથી દૂર કરી જમીન રાજ્યસાત કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી જમીનોમાં ખોટું કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. - ખોટી ફરિયાદનો દાવો : દરમ્યાન આ મુદ્દે અંજારના ભૂપેન્દ્રભાઈ પંડયાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, બ્લેકમેઈલિંગ કરવાના ઈરાદે ફરિયાદીએ ખોટી ફરિયાદો કરી છે. મોટી રકમ માગ્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. મામલતદાર દ્વારા એક પક્ષે ખોટો નિર્ણય લેવાયો હોવાથી તેની સામે મનાઈ હુકમ લેવા રાજ્યની વડી અદાલતમાં ધા નાખવામાં આવશે. જે દંડ કરવામાં આવ્યો છે એટલી તો જમીનની કિંમત નથી અને અંજારમાં આવી 25 ફરિયાદો કરવામાં આવી છે અને ફરિયાદ કરનરારરાઓના હેતુ સારા નથી. ખરેખર વહીવટી તંત્ર તરફથી ક્યાંક તેઓને સાથ મળી રહ્યાનો પણ આરોપ  મુક્યો હતો. 

Panchang

dd