ભુજ, તા. 18 : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન
એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયાલીસીસ
વિભાગમાં વધુ એક અત્યાધુનિક મશીનનો ઉમેરો થયો છે. મિરજાપરના વતની અને સેવાભાવી દાતા
પરિવાર દ્વારા આર્થિક યોગદાન આપીને દર્દીઓની સેવામાં સહયોગી બન્યા છે મિરજાપર નિવાસી
કલ્યાણભાઈ રવજીભાઈ હિરાણી અને શાંતાબેન કલ્યાણભાઈ હિરાણી પરિવાર દ્વારા તેમના પિતા
સ્વ. રવજીભાઈ હરજીભાઈ હિરાણી તથા માતા સ્વ. સુંદરબેન રવજીભાઈ હિરાણીના સ્મરણાર્થે રૂા.
11,00,000/નું માતબર અનુદાન આપી આ અત્યાધુનિક
ડાયાલીસીસ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, આ નવું મશીન લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે,
જે લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયામાં વધુ સચોટતા અને સુરક્ષા પ્રદાન કરશે.
કચ્છ જિલ્લામાં સૌપ્રથમ ડાયાલીસીસ કેન્દ્ર શરૂ કરવાનો ઈતિહાસ ધરાવતી આ હોસ્પિટલ દર્દીઓને
વધુ સારી અને વિશ્વસનીય સારવાર આપવા કટિબદ્ધ છે. ડાયાલીસીસ વિભાગના ઇન્ચાર્જ ડોકટર
ડો. જયંતીભાઈ પીન્ડોરીયાએ દાતાને ડાયાલીસીસ વિભાગની સેવાઓ તથા મશીનની ટેકનીકલ જાણકારી
આપી હતી ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ડાયાલીસીસના દર્દીઓની સારવાર (આયુષ્યમાન) યોજના
હેઠળ નિ:શુલ્ક કરવામાં આવે છે. ટ્રસ્ટ તરફથી
કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પીન્ડોરીયા, દાતા નાનજીભાઈ
પીન્ડોરીયા, મંત્રી મનજીભાઈ પીન્ડોરીયા, લક્ષ્મણભાઈ રાઘવાની, વિનોદભાઈ પીન્ડોરીયા, પ્રેમજીભાઈ હાલાઈ, વિજયભાઈ ગોરસિયા હાજર રહ્યા હતા અને ટ્રસ્ટીઓ દ્વારા હિરાણી પરિવારની આ ઉમદા
કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અર્પણ વિધિમાં દાતા પરિવારના
સભ્યો શિવજીભાઈ હીરાની, પુત્ર પ્રદીપભાઈ, મનીષાબેન, દિશા
અને વંશ ઉપસ્થિત રહ્યા હતા.