નવી દિલ્હી, તા. 18 : આઈપીએલ 2026માં શનિવારે રોયલ ચેલેન્જર્સ
બેંગલોર સામે દિલ્હીએ છ વિકેટે રોમાંચક જીત મેળવી હતી. બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં
આરસીબીએ દિલ્હીને જીત માટે 176 રનનો લક્ષ્યાંક
આપ્યો હતો. દિલ્હીએ કે.એલ. રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની અર્ધસદીઓની અંતિમ ઓવરમાં લક્ષ્ય
પાર પાડયું હતું.દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી અને પાવરપ્લેમાં પથુમ નિસંકા (એક રન), કરુણ નાયર (5ાંચ રન) અને સમીર રિઝવી (બે રન)ની વિકેટ
ગુમાવી દીધી હતી. ત્રણેયનો શિકાર ભુવનેશ્વરકુમારે કર્યો હતો. દિલ્હીની વહારે આવેલા
સ્ટબ્સ અને રાહુલે ચોથી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. રાહુલે
34 બોલમાં 57 રન કર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. રાહુલ
આઉટ થયા બાદ સ્ટબ્સ અને ડેવિડ મિલર વચ્ચે કમાલની ભાગીદારી થઈ હતી અને બન્નેએ તાડબતોડ
અંદાજમાં બેટિંગ કરીને ટીમને જીત અપાવી હતી. સ્ટબ્સે 47 બોલમાં નોટઆઉટ 60 રન કર્યા હતા, જ્યારે મિલરે 10 બોલમાં અણનમ 22 રન કર્યા હતા. અગાઉ આરસીબીએ
ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં આઠ વિકેટે 175 રન કર્યા હતા. બેંગલોર તરફથી કોહલી અને સાલ્ટે મળીને શરૂઆતમાં
52 રનની ભાગીદારી કરી હતી. કોહલી
19 રને આઉટ થયો હતો. બાદમાં સ્ટબ્સ
અને પડ્ડીક્કલ વચ્ચે 47 રનની ભાગીદારી
થઈ હતી. પડીક્કલ 18 રને આઉટ થયો
હતો. ફિલ સાલ્ટના રૂપમાં બેંગલોરને ત્રીજો ઝટકો લાગ્યો હતો. તેણે 38 બોલમાં 63 રન કર્યા હતા. આરસીબીએ બાદમાં
સતત વિકેટો ગુમાવતા સ્કોર 175 રન સુધી જ
પહોંચી શક્યો હતો. અક્ષર પટેલ, લુન્ગી
એન્ગીડી, કુલદીપ યાદવે બબ્બે વિકેટ ખેરવી હતી.