• શનિવાર, 18 એપ્રિલ, 2026

હોર્મુઝ ખાડી ખૂલી ગઇ : શાંતિ માટે આશાનું કિરણ

હોર્મુઝ ખાડીની નાકાબંધી શરૂ કરીને ટ્રમ્પે પોતાની જીત થઈ હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કર્યો પણ એમને ખ્યાલ આવ્યો છે કે, નાકાબંધીનું પરિણામ નકારાત્મક છે. દુનિયાભરમાં સરકારો અને લોકો ટ્રમ્પને આર્થિક બરબાદી, મોંઘવારી માટે જવાબદાર ગણે છે. ખુદ અમેરિકામાં પણ એમના વફાદાર ગણાતા ખ્રિસ્તી સમાજના અગ્રણીઓએ ટ્રમ્પની ટીકા નહીં, વિરોધ શરૂ કર્યો અને આ માટે કાર્ટૂન બનાવીને વાયરલ કર્યા પછી ટ્રમ્પ મૂંઝાયા અને કોઈક રસ્તો છટકબારી શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે. આ દરમિયાન બ્રિટન અને ફ્રાન્સ નાકાબંધીમાંથી હોર્મુઝની મુક્તિ અને સલામતી માટે પ્રયાસ હાથ ધર્યા. બીજી બાજુ, રશિયા અને ચીન પણ સક્રિય થયા. બંનેએ અખાતના દેશોની આઝાદી અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની હિમાયત કરી  દુનિયાને જંગલરાજમાં ધકેલાતી બચાવવી જોઈએ એમ કહે છે. ચીનના વિદેશ ખાતાએ તો ટ્રમ્પના નિર્ણયને બેજવાબદાર અને ખતરનાક ગણાવ્યો છે. નાકાબંધીનો વ્યૂહ ઈરાનને ભૂખે મારવાનો અને ઈરાની તેલના સૌથી મોટા આયાતકાર ચીન ઈરાન ઉપર દબાણ કરવા માટે છે એવો સ્પષ્ટ અભિપ્રાય આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોનો છે. આમ સંજોગો આશાવાદી છે, છતાં વાટાઘાટની ચડ-ઊતર હજુ થોડા દિવસ ચાલશે. આખરે વિશ્વયુદ્ધનો ભય નિવારી શકાશે એમ લાગે છે. અમેરિકાના દબાણથી હવે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે વાટાઘાટ શરૂ થઈ અને યુદ્ધવિરામ જાહેર થયો એની હકારાત્મક અસર જોવા મળશે. દાયકાઓથી આ બંને દેશ વચ્ચે `નબોલા' ચાલે છે અને સંપર્ક નથી. માત્ર સામસામી ગોલંદાજી થયા કરે છે. હવે વાટાઘાટના ટેબલ ઉપર કેમ બેઠા? હકીકતમાં પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચેની વાટાઘાટ તૂડી પડી તેના કારણમાં લેબેનોન છે. ઈરાનની મદદથી લેબેનોનમાં ઇઝરાયલ વિરોધી આતંકવાદીઓ સલામત અને આક્રમક છે. ઈરાન ઉપરના હુમલાનો જવાબ લેબેનોનના `હમાસ' આપે છે. પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે `હરખપદૂકા' થઈને જાહેરાત કરી દીધી હતી કે, યુદ્ધવિરામ થઈ ગયો છે તે લેબેનોનને પણ લાગુ પડે છે! હકીકત અલગ હતી કે લેબેનોનને લાગુ ન પડયો ! આ દરમિયાન ઇઝરાયલે જબરદસ્ત હુમલો કરીને લેબેનોનમાં 300થી વધુ લોકોને મારી નાખ્યા. અમેરિકાએ જાહેરાત કરવી પડી કે, લેબેનોનમાં યુદ્ધવિરામ નથી. ટ્રમ્પની આ જાહેરાત ઇઝરાયલના હુમલા વાજબી ઠરાવવા માટે હતી. હવે અમેરિકાએ નાકાબંધી કર્યા પછી તેની હાલત `મા મને કોઠીમાંથી કાઢ' જેવી થઈ છે, તેમાંથી માર્ગ કાઢવા માટે ચાણક્યનીતિ વાપરી છે. વોશિંગ્ટનમાં ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતી પછી ઇરાન ઠંડું પડયું : હવે ટ્રમ્પ ઠંડા પડે અને યુદ્ધનું નવું જોખમ વિખેરાય એવું દુનિયાં પ્રાર્થી રહી છે. ઇરાનના વિદેશમંત્રી અરાઘચીએ યુદ્ધવિરામ દરમ્યાન હોર્મુઝ ખાડી તમામ વ્યાપારિક જહાજો માટે ખુલ્લી મૂકવાના સરકારના નિર્ણયની જાહેરાત કરતાં દુનિયાંએ કામ ચલાઉ હાશકારો અનુભવ્યો છે, બે મહિનાથી સીલ થઇ ચૂકેલા હોર્મુઝ સ્ટ્રેટમાં સેંકડો જહાજો ફસાયેલાં હતાં. એ ટ્રાફિક હવે ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના નિર્ણયને પ્રારંભે આવકાર આપ્યો, પણ થોડીવાર પછી જાહેરાત કરી કે, જ્યાં સુધી કાયમી શાંતિ સમજૂતી નહીં થાય ત્યાં સુધી હોર્મુઝમાં ઇરાન સામેની તેની ઘેરાબંધી યથાવત્ રહેશે. ઇરાને લેબેનોન ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ પછી પોતાનું વલણ નરમ બનાવ્યું એ દરમ્યાન વિશ્વના દેશો મધ્યપૂર્વમાં શાંતિના વાદળો જળવાઇ રહે એવી આશા રાખી રહ્યા છે. 

Panchang

dd