નવી દિલ્હી, તા. 18 : કોંગ્રેસના
સાંસદ પ્રિયંકા ગાંધીએ મહિલા અનામત મામલે કેન્દ્ર સરકારને પડકાર ફેંક્યો છે. પ્રિયંકાએ
કહ્યું કે સરકાર સોમવારે એ ખરડો લાવે જેને 2023માં તમામ રાજકીય પક્ષોએ ટેકો આપ્યો હતો. સોમવારે જ સંસદનું સત્ર
બોલાવવામાં આવે, અમે બધા જ સમર્થન આપશું.
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના
નેતૃત્વમાં એનડીએ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના લોકોને ગુમરાહ કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમને મહિલાવિરોધી લેખાવીને
તમે તારણહાર બની શકશો નહીં. એક પત્રકાર પરિષદમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે ગઈકાલે
સંસદમાં જે થયું તે લોકશાહીની મોટી જીત છે. સરકાર સીમાંકન અને મહિલા અનામતના માધ્યમથી
સત્તામાં ટકી રહેવાનું ષડયંત્ર રચી રહી હતી. તેમણે કહ્યું કે હું ખુશ છું કે લોકસભાની
બેઠકો વધારવા માટે ગઈકાલે લાવવામાં આવેલો ખરડો પરાસ્ત થયો હતો. સત્તાપક્ષ અમને મહિલાવિરોધી
ગણાવીને તારણહાર બની નહીં શકે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે લોકસભામાં સરકાર બંધારણનો 131મો સંશોધન ખરડો લાવી હતી. પરંતુ
તેને ગૃહમાં પસાર કરાવી શકી ન હતી. પ્રિયંકા ગાંધીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું
કે પીએમના ભાષણે ચોંકાવ્યા હતા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે જો તમે ખરડાથી સહમત
ન હો તો તમે અહીં બેસી શકશો નહીં. અમે ચોંક્યા હતા કે આખરે તેમનો મનસૂબો શું હતો. તેમણે
કહ્યું કે તેઓ સત્તામાં ટકી રહેવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. સીમાંકન 2029 સુધી થવાનું ન હતું. બધું મહિલાઓના
નામે કરવામાં આવી રહ્યું હતું જેથી તેમને સત્તામાં રહેવાની સ્વતંત્રતા મળી જાય એમ પ્રિયંકા
ગાંધીએ ઉમેર્યું હતું.