નવી દિલ્હી, તા. 18 : તેલસંકટ વચ્ચે
દેશોને ગઇકાલે શુક્રવારે મળેલી રાહત અલ્પ જીવી રહી છે, ઇરાને શનિવારે 24 કલાકથી ઓછા સમયગાળામાં યુ-ટર્ન
લઇ નાખતાં ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી નાખ્યો હતો. આ ઘટનાક્રમ વચ્ચેના એક ચોંકાવનારા
બનાવમાં હોર્મુઝની ખાડી પસાર કરી રહેલાં 14 ભારતીય જહાજને રોકયાં હતાં,
જેમાંથી બે ભારતીય ટેન્કર જહાજ ઉપર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે ગોળીબાર
કર્યો હતો. આ અણધારી ઘટના બાદ ભારતીય જહાજોને પરત વળવું પડયું હતું. ઘટનામાં જો કે
કોઈને ઈજા પહોંચી ન હતી. નોંધપાત્ર બાબત એ પણ છે કે, ઈરાની દળોએ
કોઈ ચેતવણી વિના જ ગોળીબાર કર્યો હતો. દરમ્યાન, આ ઘટનાની નોંધ
લેતાં ભારતે ઈરાનના રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા
આ બે પૈકી એક ભારતીય જહાજ 20 લાખ બેરલ ઈરાકી તેલ લઈને આવતું હતું. દેશના વિદેશ મંત્રાલયે
એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથઅલીને બોલાવીને ભારતીય જહાજો પર
ગોળીબારની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલાં, અમેરિકા યુદ્ધ વિરામ
ભંગ કરી રહ્યું છે એટલે આ મહત્ત્વના જળમાર્ગ પર પ્રતિબંધ કરી મૂકવો પડયો છે,
હવે હોર્મુઝ પરથી જહાજોની અવરજવર પૂર્ણપણે સેનાનાં નિયંત્રણમાં રહેશે
તેવું ઇરાને જણાવ્યું હતું. ઇરાને સ્પષ્ટ ચેતવણી આજે આપી દીધી હતી હતી કે, જ્યાં સુધી અમેરિકા અમારાં બંદરો પર નાકાબંધી નહીં હટાવે, ત્યાં સુધી અમે હોર્મુઝ પરથી જહાજોને પસાર થતાં રોકતા રહીશું. ઇરાને મહત્ત્વનો
જળમાર્ગ હોર્મુઝ ખોલવાનું ગઇકાલે શુક્રવારે એલાન કર્યા પછી પણ શનિવારે અનેક ભારતીય
ટેન્કરોને ફારસની ખાડી (પર્શિયન લગ્ફ) પાસેથી યૂ-ટર્ન લેવો પડયો હતો. બ્લૂમ બર્ગના
અહેવાલ અનુસાર ભારતીય ટેન્કર સન્માર હેરાલ્ડ દેશગરિમા, દેશવૈભવ
અને દેશવિભોર દુબઇથી હોર્મુઝ તરફ જઇ રહ્યાં હતાં, પરંતુ અડધા
રસ્તેથી જ પરત ફરી ગયાં. ચાર ભારતીય અને બે ગ્રિક જહાજ સમુદ્રી માર્ગેથી પસાર ન થઇ
શકયાં. ઇરાની વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો હતો કે, હોર્મુઝ જળમાર્ગ પુર્ણપણે ખુલ્લો છે. આજે મહત્ત્વનો જળમાર્ગ ફરી બંધ કરી દેવાની
ઘોષણા કરવાથી પહેલાં ઇરાને ભારત, પાકિસ્તાન, ઇરાક, રશિયા અને ચીન જેવા મિત્ર દેશોને જહાજો હોર્મુઝ
પરથી પસાર કરવાની છૂટ આપી હતી. હોર્મુઝ ફરી બંધ થવાથી પાછું ઊર્જાસંકટ વધુ વકરવાની
ભીતિએ નવેસરથી દેશોમાં ઉચાટ ફેલાવ્યો છે. આખી દુનિયાના તેલ પુરવઠાનો પાંચમો ભાગ હોર્મુઝથી
પસાર થાય છે. ઇરાને જલડમરૂ મધ્ય ખોલવાની ઘોષણા કર્યા પછી પણ ટ્રમ્પનો નાકાબંધી જારી
રાખવાનો ફેંસલો ઇરાન પર ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ સહિત મુદ્દે દબાણ લાવવા માટે હતો.
દરમ્યાન, ઇરાને દાવો કર્યો હતો કે, અમે
અમેરિકા, ઇઝરાયલ અને બ્રિટન સાથે જોડાયેલાં કથિત નેટવર્કનો પર્દાફાશ
કરીને ધ્વસ્ત પણ કરી નાખ્યાં છે.