હૈદરાબાદ, તા. 18 : અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેનની
ઝડપી અર્ધસદીની મદદથી સનરાઈઝર્સ હૈદરાબાદે શનિવારે 10 રને રોમાંચક જીત મેળવી હતી. છેલ્લી ઘડી સુધી સંઘર્ષ છતાં ચેન્નાઈ
સુપર કિંગ્સને આઈપીએલ સિઝનની ચોથી હાર ખમવી પડી હતી. 195ના લક્ષ્ય સામે ચેન્નાઈ 184 રન સુધી સિમિત રહી હતી. લક્ષ્ય
આંબવા મેદાન પર ઉતરેલી સુપર કિંગ્સ તફરથી મેથ્યુ શોર્ટ 30 દડામાં ત્રણ ચોગ્ગા સાથે સૌથી
વધુ 34 રન કર્યા હતા. એ સિવાય આયુષ મહાત્રેએ 13 દડામાં પાંચ ચોગ્યા, એક છગ્ગા સાથે 30, સરફરાઝ ખાને 19 દડામાં ત્રણ ચોગ્ગા સાથે 25, શિવમ દુબેએ 16 દડામાં એક ચોગ્ગા, એક છગ્ગા સાથે 21 રન કર્યા હતા. સંજુ સેમસન માત્ર
સાત રને વિકેટ ખોઈ બેઠો હતો, તો સુકાની
ઋતુરાજ ગાયકવાડ 13 દડામાં ત્રણ
ચોગ્ગા સાથે 19 રને અરોરાને કેચ આપી બેઠો હતો.
સરેરાશ કોઈ પણ બેટધર ક્રિઝ પર જામી શક્યો નહોતો. સનરાઈઝર્સ વતી એશાન મલિંગાએ ત્રણ વિકેટ
લીધી હતી. અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચૈન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આમનોસામનો થયો હતો.
મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે અભિષેક શર્મા અને હેનરીક ક્લાસેનની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 9 વિકેટે 194 રન કર્યા હતા. ટોસ હારીને પહેલા બેટિંગમાં ઉતરેલી હૈદરાબાદની
ટીમની શરૂઆત સારી રહી હતી અને અભિષેક શર્માએ માત્ર 15 બોલમાં અર્ધસદી પુરી કરી હતી. અભિષેક શર્મા અને ટ્રાવિસ હેડ
વચ્ચે પહેલી વિકેટ માટે 75 રનની ભાગીદારી
થઈ હતી. જો કે હેડ 20 બોલમાં 23 રન કરીને આઉટ થયો હતો. બાદમાં
ઈશાન કિશન પણ પહેલા જ બોલે આઉટ થયો હતો. ત્રીજી વિકેટ અભિષેક શર્માના રૂપમાં પડી હતી.
તેણે 22 બોલમાં ચાર છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 59 રન કર્યા હતા. બાદમાં હેનરીક
ક્લાસેને એક છેડો સાચવીને અર્ધસદી પુરી કરી હતી. ક્લાસેન 39 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની
મદદથી 59 રન કરીને પેવેલિયન પરત ફર્યો
હતો. આ સિવાય કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી ન શકતા સ્કોર 20 ઓવરમાં નવ વિકેટના નુકસાને
194 રન સુધી જ પહોંચી શક્યો હતો.
ચેન્નઈ તરફથી અંશુલ કંબોજ અને જેમી ઓવરટને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ
ચૌધરીને બે અને ગુરજપનીત સિંહને એક વિકેટ મળી હતી.