• સોમવાર, 09 માર્ચ, 2026

શાબાશ, ટીમ ઇન્ડિયા !

તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : અમદાવાદનું નમો સ્ટેડિયમ, રવિવાર અને વિશ્વકપ ફાઇનલ જેવી મોટી મેચ... ક્રિકેટપ્રેમીઓના મનમાં શંકા જગાવતી બધી વાયકા-નકારાત્મક વાતો વરાળ બનીને ઊડી ગઇ છે. સૂર્યકુમાર યાદવની સેનાએ વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ જેવી ધરખમ ટીમને 96 રને સજ્જડ પરાજય આપીને ઇતિહાસ આલેખ્યો છે. વર્લ્ડકપની ટેલિવિઝન વિજ્ઞાપનમાં એક વાક્ય ચલણી બન્યું હતું, હિસ્ટ્રી રિપીટ, હિસ્ટ્રી ડિફીટ... મતલબ એ કે, 2024નો વિશ્વકપ જીત્યા પછી એ જાળવી રાખીને ટીમ ઇતિહાસ દોહરાવશે એટલું જ નહીં, યજમાન ટીમ ઘરઆંગણે ચેમ્પિયન નથી બની શકતી અને ઉપરાઉપરી બે ટી-20 વિશ્વકપ કોઇ નથી જીતી શક્યું, એવો અપ્રિય ઇતિહાસ પણ હવે મોદી સ્ટેડિયમની માટીમાં ભળી ગયો છે.સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમે પુરવાર કરી બતાવ્યું છે કે, ટીમ ઇન્ડિયા ક્રિકેટ જગતની મહાસત્તા છે. 2024ના વિશ્વકપમાં બુમરાહ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો, આ વખતે એ ચાર વિકેટ સાથે ફાઇનલનો હીરો છે. સંજુ સેમસન જવાબદારીભર્યાં પ્રદર્શન સાથે સળંગ ત્રણ મેચ વિજેતા ફિફ્ટી મારીને સ્પર્ધાનો શ્રેષ્ઠ ખેલાડી ઘોષિત થયો છે. આ જીત ભારતનું `શક્તિ પ્રદર્શન' કહી શકાય. સમયાંતરે દરેક ખેલાડીએ ટીમ માટે યોગદાન આપ્યું છે. 2024માં રોહિત સેના ચેમ્પિયન બની એ પછી ઘણું બદલાઇ ગયું છે. રોહિત, વિરાટ નિવૃત્ત થઇ ચૂક્યા છે. અભિષેક, તિલક જેવા નવોદિત ખેલાડીઓ આવ્યા અને ટીમનો અભિન્ન હિસ્સો બની ગયા છે. આ પળ ઐતિહાસિક છે અને કરોડો દેશવાસીનો આનંદ ચરમસીમાએ પહોંચે એ સ્વાભાવિક છે. સૂર્યકુમાર યાદવ માટે બેટ્સમેન તરીકે આ સ્પર્ધા ખાસ ન રહી, પણ કેપ્ટન તરીકે ઇતિહાસમાં નામ નોંધાવ્યું છે. ભારતને વિશ્વકપ જીત અપાવનારા કપિલ દેવ, ધોની, રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરની મહાન સૂચિમાં નામ ઊમેરાયું છે. ભારતની આ જીત સંકેત આપે છે કે, વિશ્વ ક્રિકેટ વ્યવસ્થા બદલાઇ રહી છે. વડાપ્રધાન મોદીએ યોગ્ય જ કહ્યું છે કે, આ જીત મહેનત, ટીમવર્ક અને કૌશલ્યનું પ્રમાણ છે. ટીમ ઇન્ડિયાનું હવે પછીનું લક્ષ્ય જૂન-2027નો વિશ્વકપ છે. 50 ઓવરની એ સ્પર્ધા ત્રીજીવાર જીતવાનું સપનું ભારત જોઇ રહ્યું છે. 

Panchang

dd