• રવિવાર, 16 જૂન, 2024

`આપ'નું રહસ્યમય મૌન

`આપ'નાં રાજ્યસભા સાંસદ અને દિલ્હી મહિલા પંચનાં પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સોમવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યાં પછી પીસીઆર કોલ કરી ફરિયાદ કરી હતી કે, મુખ્યપ્રધાનના કહેવાથી તેમના અંગત મંત્રી વિભવ કુમારે તેમની ખરાબ રીતે મારપીટ કરી હતી અને ગેરવર્તન પણ ર્ક્યું હતું. તેઓ મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી નીકળ્યાં અને પોલીસ સ્ટેશને પહોંચ્યાં અને મૌખિક ફરિયાદ ર્ક્યા પછી લેખિત ફરિયાદ ર્ક્યા વિના પોલીસ સ્ટેશનથી નીકળી ગયાં હતાં. હવે પ્રકરણ અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. સવાલ છે કે, કેટલાક સમય પહેલાં જે સ્વાતિ માલીવાલ મહિલાઓની વિરુદ્ધ થતા અત્યાચારો પર બેહદ આક્રમકતાથી અવાજ ઉઠાવતાં હતાં તેઓ ખુદ પોતાની સાથે થયેલા `ગુના' પર ચૂપ કેમ છે? મૌનનું રહસ્ય શું છે ? બનાવના 30 કલાક સુધી ચૂપ રહ્યા પછી `આપ'ના નેતા સંજય સિંહે રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને ગેરવર્તન અને અભદ્ર વ્યવહાર થયાનું કબૂલ્યું છે. `આપ'ના સાંસદે અંગેની કબૂલાત કરતાં પત્રકાર પરિષદમાં કહ્યું કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બનાવની નોંધ લીધી છે અને આકરાં પગલાં લેવાંની વાત કરી છે. પગલાં શું હશે તે એમણે જણાવ્યું નથી. દરમ્યાન લખાય છે ત્યારે  સ્વાતિએ પોલીસને લેખિત ફરિયાદ આપતાં દિલ્હી પોલીસ સીએમ હાઉસમાં ગેરવર્તાવ મુદ્દે તપાસ કરશે. પોલીસમાં વિધિવત  ફરિયાદ કરીને સ્વાતિ માલીવાલ સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થઈ રહ્યાં છે. પૂછવામાં આવી રહ્યું છે કે શું સ્વાતિ માલીવાલ પર કોઈ પ્રકારનું દબાણ છે ? છેવટે તેમની કઈ મજબૂરી છે કે અભદ્ર વ્યવહારની લેખિત ફરિયાદ પણ પોલીસને નથી કરી શકતાં? એવા સવાલ ઊઠયા હતા. દરમિયાન માલીવાલના માજી પતિએ આક્ષેપ ર્ક્યો છે કે, મહિલા સાંસદના જીવને ભય હોઈ શકે છે. તેમણે એક વીડિયો સંદેશ દ્વારા અપીલ કરી છે કે, માલીવાલે જાહેરમાં આવી આખી વાત કહેવી જોઈએ કે તેમની સાથે શું શું થયું છે ? લોકોમાં પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, મુખ્યપ્રધાનના નિવાસસ્થાને એક મહિલા વિરુદ્ધ ગુનો થયો તેનો સ્વીકાર કરવામાં પક્ષે 30 કલાકથી વધારે સમય શા માટે લીધો ? ખુદ મુખ્યપ્રધાન કે પક્ષવતી હજી સુધી પોલીસને લેખિત ફરિયાદ શા માટે નથી આપવામાં આવી ? દિલ્હીની સાત બેઠક પર મતદાન પહેલાં પ્રકરણને લઈ ભાજપ પણ આક્રમક છે. દિલ્હી યુનિટના મોટા ભાગના નેતા સોશિયલ મીડિયાના સહારે `આપ' અને અરવિંદ કેજરીવાલની ભૂમિકા પર સવાલ કરે છે. મુખ્યપ્રધાનના નિવાસસ્થાને જો મહિલા સાથે આવો વ્યવહાર થાય તો દિલ્હીની બીજી મહિલાઓની સુરક્ષા માટે `આપ'ના દાવાઓ મેળ ખાતા નથી. સ્વાતિ માલીવાલ પોલીસમાં ફરિયાદ નોંધાવવા સરળતાથી આગળ નથી આવતાં તેનો અર્થ થયો કે `આપ' અને કેજરીવાલ પ્રકરણને ભીનું સંકેલી લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પોલીસે ખુદ ફરિયાદી બની પ્રકરણની તપાસ હાથ ધરવી જોઈએ. છેવટે પ્રશ્ન એક મહિલાની ગરિમા, સન્માનનો છે. લોકસભા ચૂંટણી નિર્ણાયક તબક્કે પહોંચી છે ત્યારે આમ આદમી પાર્ટીનાં ભવિષ્યને લઇને અટકળો ઊઠી છે. કેજરીવાલને ઇડીએ જેલ ભેગા કર્યા બાદ સુપ્રીમ કોર્ટની રહેમ નજર હેઠળ તેમને પહેલી જૂન સુધી જામીન પર છોડવામાં આવ્યા છે. એનો પક્ષને ફાયદો થશે ! કેજરીવાલને લીધે કોંગ્રેસ ઢંકાઇ જશે એવી અટકળો પણ વિપક્ષને બેચેન કરી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang