નવી દિલ્હી, તા. 8 : કર્મચારીઓ
માટે જાણવા જેવા સમાચારમાં નોકરી બદલાવય તો હવે ઈપીએફ ટ્રાન્સફર માટે ફોર્મ ભરવા કે
રાહ જોવાની જરૂર નથી. નવી સુવિધા 10 કરોડથી વધુ સભ્યોને ફાયદો આપશે. કર્મચારી ભવિષ્યનિધિ સંસ્થાન
(ઈપીએફઓ) દ્વારા ઓટોમેટિક ટ્રાન્સફર સિસ્ટમ શરૂ કરાઈ છે. સેંકડો કર્મચારીઓની પીએફની
રકમ આપોઆપ નવા નોકરી દાતાના ખાતામાં ચાલી જશે. પહેલાં નોકરી બદલે તેવા કર્મચારીને ફોર્મ-13 ભરવું પડતું હતું. પછી જૂના
અને નવા નોકરી દાતા પાસેથી વેરિફિકેશન (ખરાઈ)ની પ્રક્રિયા કરાવવી પડતી હતી. આ કવાયતમાં
એકથી બે મહિના લાગી જતા હતા. અનેકવાર તો ક્લેઈમ રદ થઈ જતા હતા અને વ્યાજનું નુકસાન
જતું હતુ. ઈપીએફઓના જ આંકડા અનુસાર દર વર્ષે લાખો ક્લેઈમ વણઉકેલ રહેતા હતા. હવે નવા
નિયમ આવતાં આવી તમામ પરેશાની પર પૂર્ણવિરામ મુકાઈ જશે. પીએફના પોર્ટલ પર આધાર અને કેવાયસીની
આપોઆપ ખરાઈ થઈ જશે. કોઈ પણ જાતના કાગળિયાની કવાયત વગર જૂની પીએફ રકમ સીધી નવા ખાતામાં
જમા થઈ જશે. ટ્રાન્સફરની આ પ્રક્રિયા ત્રણથી પાંચ દિવસમાં પૂરી થઈ જશે. ઈપીએફઓના એક
વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, યુએએઁનને
આધાર બનાવવાથી છેતરપિંડીને પણ અંકુશમાં લાવી શકાશે. તેમણે કર્મચારી સમુદાયને પોતાના
યુએએન અક્ટિવેટ કરી લેવાની પણ અપીલ કરી હતી.