• રવિવાર, 09 નવેમ્બર, 2025

સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી

આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 8 : સંસદનું શિયાળુ સત્ર પહેલી ડિસેમ્બરથી શરૂ થશે. 19 દિવસનાં સત્ર દરમ્યાન 15 બેઠક યોજાશે. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજ્જુએ શનિવારે જાણકારી આપી હતી. ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનું રાજ્યસભાના સભાપતિ તરીકે આ પ્રથમ સત્ર હશે. રિજ્જુએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિયાળુ સત્રના કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. સરકારને લોકતંત્ર મજબૂત કરનારાં એક સાર્થક સત્રની આશા છે. શિયાળુ સત્ર દરમ્યાન વિપક્ષી જોડાણ `ઈન્ડિયા' મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ  મહાભિયોગ લાવી શકે છે. આ સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનાં નિવાસસ્થાને ઈન્ડિયા જોડાણના નેતાઓની બેઠક પણ થઇ ચૂકી છે. એ સિવાય બિહાર વિધાનસભા ચૂંટણીના મુદ્દે વિપક્ષ ધમાલ કરે તેવી સંભાવના પણ નકારી ન શકાય. ઉપરાંત, દેશના 12 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા (સર)ની પ્રક્રિયાનો પણ વિપક્ષી છાવણી શિયાળુ સત્રમાં વિરોધ કરી શકે છે. બીજી તરફ કેન્દ્રની મોદી સરકાર શિયાળુ સંસદ સત્ર દરમ્યાન જનવિશ્વાસ વિધેયક સહિત અનેક મહત્ત્વના વિધેયક પસાર કરાવવા માટે તૈયારી કરી રહી છે. સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઇથી 21 અૉગસ્ટ વચ્ચે યોજાયું હતું જે ખૂબ જ તોફાની બની રહ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા ઉપરાંત બિહારમાં એ સમયે શરૂ થયેલા મતદાર પુનરિક્ષણની પ્રક્રિયાની ચર્ચાની માગ સાથે વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો અને સત્ર એક દિવસ વહેલું આટોપી લેવાયું હતું. ચોમાસુ અધિવેશનમાં વારંવાર વિક્ષેપ અને ગૃહ મોકૂફીના પગલે લગભગ એક મહિનામાં લોકસભામાં કામકાજની સફળતા 31 ટકા અને રાજ્યસભામાં 39 ટકા પ્રોડક્ટિવિટી રહી હતી. કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ અૉપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં અંદર ઘૂસીને આતંકવાદી અડ્ડાઓ નષ્ટ કર્યા હતા એની ચર્ચા પણ ચોમાસુ અધિવેશનમાં થઇ હતી. ચોમાસુ અધિવેશનમાં બે દિવસ અૉપરેશન સિંદૂરની ચર્ચા કરાઇ હતી જેમાં 130થી વધુ સાંસદોએ ભાગ લીધો હતો. લોકસભામાં સરકારે 14 બિલ પ્રસ્તુત કર્યા હતા જેમાંથી 12 પારિત કરાયા હતા ઉપરાંત રાજ્યસભામાં પણ 15 બિલોને મંજૂરી મળી હતી. આ યાદીમાં આવકવેરા બિલ 2025 પણ સામેલ હતું જે સરકારે પરત લીધું હતું.         

Panchang

dd