• રવિવાર, 09 નવેમ્બર, 2025

પગી : ભૂમિના ભોમિયા અને પદચિહ્નોના પરખંદા

કચ્છની સરહદી સંવેદનશીલતાને જાણી ગયા ગુરુ અને શુક્રવારે ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી-ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી. એમણે સરહદી ગામોની મુલાકાત લઈ ત્યાં જ રાતવાસો કર્યો હતો. સરહદી ગામોની સ્થિતિના આકલન માટે તેમની સાથે 30 આઈપીએસ અધિકારીએ પણ કચ્છના સીમાવર્તી ગામોમાં સંવાદ કર્યો હતો. આ એક આવકાર્ય પહેલ છે. હર્ષભાઈએ પ્રવાસના પ્રારંભે જ કહ્યું કે, દુશ્મનનાં પગલાં ઓળખી જવાની ક્ષમતા અહીંના ગામડાંના લોકોને વર્ષોથી છે. તેમણે શત્રુઓને પારખવાની કળા પેઢી દર પેઢી વારસામાં આપીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવતું યોગદાન આપવા લોકોને હાકલ કરી હતી. આ તાજી ઘટનાનું અનુસંધાન લઈને સીમાના પ્રહરી તરીકેની ભૂમિકા ભજવનારા પગીઓની કાબેલિયત અને પરંપરાગત જ્ઞાન વિશે વાત માંડી છે. જેમ કઈ જગ્યાએ સારું પાણી મળશે તે શોધવા પ્રણાલિગત `ભોંયસુંઘણા'ની મહત્તા છે, તેમ સરહદી વિસ્તારમાં થતી હિલચાલ અને ઘૂસણખોરીનું પગેરું મેળવવા પગીઓની અગત્યતા છે. પગી એટલે ભૂમિના ભોમિયા અને પદચિહ્નના પારખુ. પગનાં નિશાન એ માત્ર માણસના જ નહીં, પશુઓના પગલાંની નિશાની પરથી ઓળખ અને સઘળું વર્ણન કરનાર કુશળ પરખંદા ! માલધારી મુલકમાં ચરિયાણ વખતે એકબીજાના પશુ જે-તે માલિકના ધણમાં ભળી જાય ત્યારે કયા ઢોર કયા માલિકના છે, તેની પિછાણ કરી આપનાર કાબેલ પગીઓની આપણી સુરક્ષા એજન્સીઓએ સેવા લીધી છે અને તેઓ સરહદના સંત્રી તરીકેની ભૂમિકામાં ખરા ઊતર્યા છે. કચ્છના ફકીરાણી જત, રબારી અને સોઢા આ પરંપરાગત કાબેલિયત ધરાવે છે. આજે પણ ફકીરાણી જત ચહેરે-મહોરે એક જેવા હજારો ઊંટને પગલાંના નિશાન પરથી સરળતાથી ઓળખી બતાવી અલગ તારવી શકે છે. જો કે, સેટેલાઈટ ઈમેજના યુગમાં પગીની લોકકલાનો વૈભવને ઘસારો જરૂર લાગ્યો છે, પણ તેમની દેશભક્તિ અને સૂઝ માટે આદરની લાગણી અનુભવાય છે. સં. 2053ના દીપોત્સવી વિશેષાંકમાં જે.કે. તિવારી અને હરેશ સાધુ લખે છે તેમ, `કોઠાસૂઝ કે કુદરતી કુનેહથી સ્વપ્નમાં પણ ન દીઠેલી વ્યક્તિનું પગેરું ફક્ત જમીન પર પગલાંના નિશાન પરથી ગોતી બતાવવું, તે વિસ્મયકારક છે. ભૂતકાળમાં રાજાશાહીના સમયમાં ચોર-લૂંટારાને પકડવા અશક્ય હતા ત્યારે ચોરી-લૂંટના ભેદ ઉકેલવા સરહદના છેવાડે આવેલા માલધારીઓની વસ્તીવાળા ગુગરિયાળા (લખપત) ગામની વાટ સત્તાધીશો પકડતા હતા! કુદરતી બક્ષિસરૂપે `પગલાં' ઓળખવાની કલા સાવલા પીરની ભેટ છે... સમયના બદલાતા પ્રવાહમાં એક સમય એવો હતો જ્યારે માનવના દુષ્કૃત્ય, ચોરી-લૂંટ, ધાડ, ખૂનના ગુનેગારોને પગલાંની છાપ પરથી શોધીને ઝડપી લેતા. હવે તો ગુનાની શોધ માટે ગુનાશોધક શ્વાનની મદદ લેવાય છે તે પણ યથાર્થ છે.' પગલાં ઓળખવામાં માહીર અને નિષ્ણાત પગીઓની પોતીકી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. પગની ચાલ ઉપરથી પગલાં પાડનારી વ્યક્તિને ઓળખવી, પગલાંની રેખા ઉપરથી વંશ-વારસ, ખાનદાનનું તારણ કાઢવું, પગલાંની લંબાઈ-પહોળાઈથી વ્યક્તિનો અંદાજ આવે છે, તેમાંયે વજનના કારણે પડતા ભારેખમ પગલાંની છાપનો પ્રકાર જુદો હોય છે. સમગ્ર કચ્છમાં ખ્યાતનામ પગી તરીકે પંકાયેલા ભુલા જુસબ જતની પગલાં પારખવાની કલા આજે પણ કચ્છના લોકોમાં ચર્ચાનો વિષય છે. તેહરાના ગુલમામદ ખમીશા અને ભચાયા ખમીશા જેવા પગીઓ તજજ્ઞ પગી તરીકે પગલાં પરથી નર-માદાની ઓળખ પણ આપી શકતા હતા. તેમની બી.એસ.એફ.એ ઘણીવાર સેવા લીધી છે. વર્ષ 1999માં પાવરપટ્ટીના ભાણાસર રખાલની ભગતવીડી નજીક પાકિસ્તાની ઊંટ મુશર્રફ સાથે 32 કિલો આરડીએક્સનો જથ્થો જબ્બે કરવા આ વિસ્તારના પગીઓએ પ્રસંશાપાત્ર પરાક્રમ કરી બતાવ્યું હતું. દેશની સલામતી સાથે સંકળાયેલા અને સોઢા પગીઓની કામગીરીના ચોમેર ગુણગાન ગવાયાં હતાં. ઝુરા કેમ્પના વેરસલજી સોઢા અને નોંઘણજી સોઢાને સુરક્ષા દળો દ્વારા સન્માનપત્રો પણ મળેલાં છે. પગીઓમાં પગ પારખવાની આવડતને લઈ લશ્કર કે પોલીસ વિભાગમાં `પગી'ની જગ્યા ઊભી કરાઈ હતી, જેમાં ઊંટ સવાર પગી, ઘોડેસવાર પગી કે રણ, ડુંગરની ખીણોમાં પગ પારખનાર પગીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની સાબિત થઈ હતી. 1971ના યુદ્ધ પછી કચ્છના સરહદી ગામોમાં વસેલા સોઢા, રાઠોડ, કોળી, નાયી, સુથાર જેવા અનેક પરિવારોમાં પગલાંના પારખુઓ પણ આવ્યા હતા અને તેમણે આપણી સરહદની સુરક્ષા માટે પોતાની સૂઝનો ઉપયોગ કર્યો છે. આ પગીઓને તાલીમબદ્ધ કરવા અને નોકરીમાં રખાય તે દેશહિતમાં છે. પચ્છમ ખાવડાના પગીઓના પરિવારો કુરન, ધ્રોબાણા અને મોટા દિનારામાં વસવાટ કરે છે તેમની સેવાઓ સીમા દળે અનેક વખત લીધી છે. એમણે ઘૂસણખોરોને ઝડપવા સરાહનીય કામગીરી કરી છે. મૂળ બનાસકાંઠાના પણ કચ્છ સીમાએ 1965 અને 1971ના યુદ્ધ વખતે રણછોડદાસ રબારી પગીએ કરેલી કામગીરી પ્રખ્યાત છે. એમની એટલી કુશળતા હતી કે, એ ઊંટના પગનાં નિશાન માત્ર જોઈને કહી શકતા કે, એ ઊંટ પર કેટલા સવાર હશે, માણસના પગનાં નિશાન પરથી એનું વજન, ઉમર અને કેટલે દૂર સુધી ગયો હશે તેની ગણતરી કરી લેતા હતા. એમને લશ્કર અને બીજી એજન્સીઓએ મેડલ દ્વારા સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ તેમની કામગીરી બિરદાવી હતી. 

Panchang

dd