બેંગલોર, તા. 8 : ભારતીય ટીમ 14 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે
બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા જઈ રહી છે. આ શ્રેણી માટે વિકેટકીપર બેટ્સમેન ઋષભ
પંતને પણ ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં ટેસ્ટ મેચ દરમિયાન
પંતને પગમાં ઈજા પહોંચી હતી. જેના કારણે અમુક મહિના સુધી એક્શનથી દૂર રહ્યો હતો. ઋષભ
પંત માટે હવે એવા સમાચાર આવ્યા છે જેનાથી ભારતીય ટીમની ચિંતામાં વધારો થયો છે. પંત
ફરી એક વખત ઈજાગ્રસ્ત થયો છે. પંતને આ ઈજા દક્ષિણ આફ્રિકા-એ સામેની મેચ દરમિયાન લાગી
હતી. બીસીસીઆઈના બેંગલોર સ્થિત સેન્ટર ઓફ એક્સલેન્સમાં રમાઈ રહેલી મેચમાં પંત ઈન્ડિયા-એની
કપ્તાની સંભાળી રહ્યો છે. પંત ઈન્ડિયા-એની બીજી ઈનિંગમાં ત્રણ વખત ઈજાગ્રસ્ત થયો હતો.
બાદમાં રિટાયર્ડ હર્ટ થવું પડયું હતું. પંત પહેલા રિવર્સ હુક રમવાની કોશિશમાં હેલમેટ
ઉપર બોલ વાગતા ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં પુલ શોટ રમતા બોલ બાવડા ઉપર લાગ્યો હતો. થોડા
સમય બાદ એક બોલ પેટમાં પણ લાગ્યો હતો. ત્રણેય વખત ભારતીય ફિઝિયો મેદાન ઉપર આવ્યા હતા
અને પંત આગળ રમવાની સ્થિતિમાં ન હોવાથી મેદાન છોડીને જવું પડયું હતું. ઋષભ પંતે રિટાયર્ડ
હર્ટ થતા પહેલા 22 બોલમાં 17 રન કર્યા હતા. આ પહેલા પહેલી
ઈનિંગમાં 24 રન કર્યા હતા. પંતની આ ઈજા
ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. મુકાબલામાં ઈન્ડિયા એએ પહેલી ઈનિંગમાં 255 રન કર્યા હતા. જેના જવાબમાં
દક્ષિણ આફ્રિકાની ટીમ 221 રનમાં સમેટાઈ
હતી. એટલે કે પહેલી ઈનિંગના આધારે ભારતને 34 રનની લીડ મળી હતી.