બાબુ માતંગ દ્વારા : હોડકો (બન્ની), તા. 8 : વિશ્વમાં
હાલ આધુનિકતાનો વાયરો વાઈ રહ્યો છે ત્યારે બન્ની પોતાની અનોખી અદા, સંસ્કૃતિ અને સમજણ ટકાવી બેઠી છે. પશુપાલન એ
જગતનો પ્રાચીનતમ વ્યવસાય છે, જેને આજપર્યંત બન્નીએ સાચવી ને જ
નહીં, સમય અને સંજોગો અનુસાર વિકસિત કર્યો છે. બન્નીની કુંઢી
ભેંસની માંગ દેશભરમાં વધી છે. પશુપાલન મેળા થકી આવા પશુઓની સાચી ઓળખ પ્રસ્થાપિત થઈ છે, કદર પણ થઈ છે તેવું બન્નીના હોડકો ખાતે 17મા પશુમેળાને ખુલ્લો મૂકતાં રાજ્યના ઉચ્ચ
અને ટેકનિકલ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ છેલ્લા
અઢી દાયકામાં કચ્છ સાથે બન્ની પચ્છમની કાયાપલટ થઈ છે. અહીંના પશુઓ માટે રાજ્ય અને કેન્દ્ર
સરકાર વિશેષ ચિંતાશીલ બની હોવાનું જણાવી પશુમેળાના આયોજન સ્થળે શેડ બનાવવા ચાર લાખની
ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ બન્નીના
દૂધની ગુણવત્તા ખૂબ જ ઊંચી હોઈ અહીંના પશુપાલકોને વધુમાં વધુ દૂધનું ઉત્પાદન કરવા આહ્વાન
કર્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બન્ની માટે વર્તમાન સમય ભારે મહત્ત્વપૂર્ણ
અને ઉજળો છે, જેને લઈ આ વિસ્તારનો વધુમાં
વધુ વિકાસ થાય તે જોવાની જવાબદારી પશુપાલકોની છે. વર્ષો અગાઉ આ વિસ્તારમાં પાણી અને
રસ્તાની સમસ્યા વિકટ હતી પરંતુ તેને પ્રાથમિક આપી તે સમસ્યાઓ હવે ભૂતકાળ બની હોવાનું
કહ્યું હતું. જિ.પં.ના સદસ્ય ફકીરમામદભાઈએ પશુમેળાના આયોજન માટે ફાળવાતી પાંચ લાખની
ગ્રાન્ટ બમણી કરવાની માંગ સાથે બન્નીના સેટલમેન્ટની પ્રક્રિયા ઝડપભેર પૂરી કરવામાં
આવે તો બન્ની વધુ મજબૂત બની વિકાસની રફતાર તેજ બની શકે છે તેમ કહ્યું હતું. ધોરડોના
સરપંચ મિંયાહુસેન મુતવાએ પશુમેળા થકી બન્નીની ખૂબ જ તરક્કી થઈ તેમ જણાવી તેના પરિણામે
પશુઓની કિંમત અને દૂધના ભાવમાં મોટો ફાયદો થયો છે. અહીંની જાણીતી ભેંસની નસલને પણ મોટી
નામના મળી છે તેમ જણાવ્યું. ઉદ્ઘાટન બાદ યોજાયેલા સન્માન સમારંભમાં રાજ્યમંત્રી શ્રી
છાંગા, સાંસદ શ્રી ચાવડા, ધારાસભ્યો શ્રી
પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ડો. શાંતિલાલ
ટાંક, અબ્દુલા બુઢા, રમજાનભાઈ જુડિયા,
તૈયબભાઈ સમા, મામદ રહીમ જત, હયાતભાઈ નોડે, જશુભાઈ ગઢવી, લાખાભાઈ
રબારી, આશાભાઈ રબારી, અદાણી ફાઉન્ડેશનના
યુવારાજસિંહ, દેવાભાઈ મારવાડા, વિરમભાઈ
આહીર, વીરાભાઈ મારવાડા, પશુપાલન વિભાગના
જીત ચૌધરી, ચાંદ્રાણી ગૌશાળાના નારાણભાઈ બકુત્રા સહિતનું બન્ની
પશુ ઉછેરક માલધારી સંગઠનના અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બન્ની પચ્છમ
ખડીર મેઘમારુ સંગઠનના બિજલ મગુ મારવાડા અને કરમણ સુકરિયાનું અગ્રણીઓ દ્વારા સન્માન
કરાયું હતું. પશુમેળામાં પશુઓના વેચાણ અને વિવિધ હરીફાઈઓ માટે ઊભા કરાયેલા સ્ટોલની
અગ્રણીઓએ મુલાકાત લઈ પશુમેળામાં આવેલા પશુપાલકો સાથે ચર્ચા કરી હતી. મેળામાં કચ્છ ઉપરાંત
ખેડા, ગોંડલ, રાજકોટ, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણાથી
માંડી છેક મહારાષ્ટ્ર સુધીના માલધારીઓ ઊમટયા હતા. પશુમેળો વાસ્તવમાં માલધારી ઉત્સવ
બની રહ્યો હતો. મેળામાં ઉચ્ચ આનુવંશિકતા ધરાવતી જાતવાન બન્ની ભેંસ અને તેના નર બચ્ચાનું
નિદર્શન, અભ્યાસ અને
ખરીદી માટે અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ ગૌશાળાના ડો. અમિત કથરિયાની ટીમ પણ પહોંચી
હતી. બન્ની પશુમેળાના
આયોજનમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન ને પશુપાલન ખાતું ગાંધીનગર, એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ, પારલે-જી, માહી મિલ્ક પ્રોડયુસર કંપની, સત્યમ કંપની, હાજીપીર, નીલકંઠ કંપની,
સુમીટોમો કંપની, આર્ચિયન કંપની, અદાણી ફાઉન્ડેશન, સહજીવન અને લલુજી એન્ડ સન્સ કંપનીનો
સહયોગ મળી રહ્યો છે. સંચાલન ઈશા મેરાણ મુતવા અને આભારવિધિ મુશાભાઈ રાયશીએ કરી હતી.
- અબડાસાના
ધારાસભ્યે બન્ની પ્રથાનું નિદર્શન કર્યું : હોડકો, તા. 8 : કચ્છમાં યોજાતા વિવિધ કાર્યક્રમો
માટે સાવ દેશી, ગામઠી અને તળપદી કચ્છી
ભાષામાં વકતવ્ય આપવા માટે અબડાસા વિસ્તારના ધારાસભ્ય જાણીતા છે. આજે હોડકો ખાતે પશુમેળાના
ઉદ્ઘાટન પ્રસંગે પણ પ્રદ્યુમનસિંહે પોતાના પ્રવચનમાં બન્ની ભેંસ ઉપરાંત ગાય,
ઊંટ, બકરી, બળદ, ઘેટાંથી લઈ આ પંથકના જાણીતા તાજી કૂતરા સહિત પશુઓની તળપદી ભાષામાં વિશેષતા
વર્ણવી હતી. પ્રવચન દરમ્યાન બન્નીના માલધારી પોતાના પશુઓની કિંમત જાહેરમાં નક્કી નથી
કરતા. વેચનાર અને લેનાર સામસામે બેસી એકબીજાના હાથ પકડે છે. જે બન્નેના હાથ પર કાપડ
ઢાંકી અંદરોઅંદર આંગળીઓના સંકેત આપી પશુઓની કિંમત આંકે છે, જે
પદ્ધતિ ઘણી પુરાણી છે. ધારાસભ્યે પ્રવચન દરમ્યાન એક માલધારીને ઊભો કરી તેના હાથ અને
પોતાના હાથ પર રૂમાલ ઢાંકીને આ પદ્ધતિનું આબેહૂબ નિદર્શન કર્યું હતું.