નવી દિલ્હી, તા. 8 : નેપાળની ટીમે હોંગકોંગ સિક્સેસમાં દિનેશ કાર્તિકની આગેવાનીની
ટીમ ઈન્ડિયાને 92 રને હરાવ્યું છે. છ ઓવરની મેચમાં
નેપાળે પહેલાં બેટિંગ કરતાં કોઈપણ નુકસાન વિના 137 રન કર્યા હતા. જેનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 3 ઓવરમાં 45 રને ઢેર થઈ હતી. નેપાળની જીતનો હીરો રાશિદ ખાન રહ્યો હતો. જેણે
તોફાની અર્ધસદી કરવાની સાથે ત્રણ વિકેટ પણ લીધી હતી. ભારતને આ પહેલાં સ્પર્ધામાં કુવૈત
અને યુએઈ સામે પણ હારનો સામનો કરવો પડયો હતો. ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતા નેપાળે
ધુંઆધાર શરૂઆત કરી હતી. રાશિદે 17 બોલમાં ચાર
ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 55 રન કર્યા
હતા જ્યારે સંદીપ જોરાએ 12 બોલમાં 47 અને લોકેશ બામે 7 બોલમાં 31 રન કર્યા હતા. 138ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી રોબિન ઉથપ્પા
અને ભરત ચિપલીની જોડી પહેલી જ ઓવરમાં 13ના સ્કોરે તૂટી હતી. ભરત ચિપલી સાથે પ્રિયાંક પંચાલ 12-12 રન કરીને ટીમના હાઈએસ્ટ સ્કોરર
રહ્યા હતા.ભારતને 45ના સ્કોરે
ઢેર કરવામાં રાશિદનો ફાળો મોટો હતો. તેણે સાત રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ભારત કુવૈત
સામે હારીને સ્પર્ધામાંથી બહાર થયું છે. હવે ભારતની અંતિમ મેચ શ્રીલંકા સામે છે.