• રવિવાર, 09 નવેમ્બર, 2025

કચ્છ-દિલ્હી વચ્ચે રચાશે અદ્યતન આરોગ્ય સારવારનો સેતુ

ભુજ, તા 8 : કચ્છમાં હવે અદ્યતન આરોગ્ય સેવાનાં ક્ષેત્રે નવું સિમાચિહ્ન આલેખાવા જઈ રહ્યું છે. દેશના પશ્ચિમ છેવાડે આવેલાં કચ્છને અત્યાધુનિક આરોગ્ય સેવા પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સાથે ક્લિનિકલ કોરીડોર રચાવવા જઈ રહ્યો છે. ક્લિનિકલ કોરીડોર કચ્છ ટુ દિલ્હીના લીધે કચ્છના લોકોને હવે ગંભીર પ્રકારની રોગોની સારવાર-સર્જરી માટે મોટાં શહેરો તરફ દોટ મૂકવી પડશે નહીં. દેહમાં અદ્યતન આરોગ્ય સેવાનાં ક્ષેત્રે મોટું નામ ધરાવતા મૈરિંગો એશિયા હોસ્પિટલ્સ દિલ્હીના નિષ્ણાત તબીબોની સેવા કચ્છના લોકોને ભુજની કે.કે. પટેલ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળશે. મૈરિંગો એશિયા હોસ્પિટલ્સના તબીબોની ટીમે કચ્છમિત્ર ભવનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વર્તમાન અને ભાવિ તબીબી આયોજનો પર પ્રંકાશ પાડયો હતો. - નજીકના સમયમાં કિડની ટ્રાન્સ્પ્લાન્ટ ભુજમાં થશે  : યુરોલોજિસ્ટ અને યુરિનલ ટ્રાન્સ્પ્લાન્ટેશન મૈરિંગો એશિયા હોસ્પિટલ ફરીદાબાદના ડો. રાજીવ સુદે એક મહત્ત્વની માહિતી આપતાં કહ્યું કે નજીકના સમયમાં કે.કે. પટેલ હોસ્પિટલમાં કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવા માટેની સુવિધા ઉપલબ્ધ બનશે. આ માટે લાયસન્સ મેળવવા સહિતની વહીવટી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. શ્રી સુદ અને અમન ગુપ્તાએ કહ્યું કે, એક આંકડાકીય વિશ્લેષણ અનુસાર દેશમાં દરરોજ 1.78 લાખ લોકોને કિડની ટ્રાન્સ્પ્લાન્ટ કરાવવાની જરૂરત રહે છે, તેમાંથી 13,000 લોકને કિડની મળે છે. આવા નાના સેન્ટરમાં પ્રત્યારોપણ માટેની સુવિધા ઉપલબ્ધ બનતાં આ આંકડો  ચોક્કસથી ઘટશે. તેમણે કહ્યું કે કિડની ડોનેટ કરનાર વ્યક્તિ પોતાના સ્વાસ્થય પ્રત્યે જાગૃત બનતા હોવાથી તેમની જીવનશૈલીમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે. - રોબોટિક ઓર્થોપેડિક સર્જરી થશે : મૈરિંગો હોસ્પિટલ ગુરગાંવના ઓર્થોપેડિક વિભાગના ચેરમેન તેમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઈન સર્જરીના નિષ્ણાત ડો. હેમંત શર્માએ કહ્યું કે, આગામી સમયમાં કચ્છમાં પ્રથમવાર રોબોટિક ઓર્થોપેડિકસ સર્જરી થશે. આ પ્રકારની અદ્યતન સર્જરીની સુવિધા ગુજરાતમાં પણ ઓછી જગ્યાએ ઉપલબ્ધ છે. શ્રી શર્માએ જણાવ્યું કે, બાળકો, વડીલો તેમજ અન્યોમાં ઓર્થોપેડિકસ સારવાર હેતુ જોઈન્ટ પ્રિઝર્વેશન સારવાર પણ કે.કે. પટેલ હોસ્પિટલમાં થઈ શકશે. રોબોટિક હીપ અને ની રિપ્લેસમેન્ટ, રિવિઝન આયોપ્લાસ્ટી જેવી અદ્યતન સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે. - હૃદયની આધુનિક સારવાર સાથે શત્રક્રિયા સ્થાનિકે થશે : ભારતીય સૈન્યમાં બ્રિગેડિયર પદ સુધી પહોંચી સેવાનિવૃત્ત થયેલા અને 22 વર્ષથી કાર્ડિયાક સર્જરીમાં જોડાયેલા ડોક્ટર બ્રિગેડિયર સમીરકુમારે કહ્યું કે, હૃદયની અદ્યતન સારવાર સાથે શત્રક્રિયાની સુવિધા કચ્છમાં ઉપલબ્ધ બનશે. કાર્ડિયાક સર્જરી સાથે પલ્મોનરી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ બનતાં કચ્છના લકોને બહારનો ધક્કો ખાવો નહીં પડે. સમીરકુમારે વધુમાં કહ્યું કે, વાલ્વ અને એઓર્ટિક સર્જરી, પલ્મોનરી એન્ડાર્ટરેકટોમી, નબળાં હૃદયની સર્જરી કચ્છમાં ઉપલબ્ધ બનશે. કચ્છમિત્ર ભવનની મુલાકાતે આવેલા આ તબીબોનું કચ્છમિત્રના વ્યવસ્થાપક મુકેશ ધોળકિયા અને  મદદનીશ વ્યવસ્થાપક હુસેન વેજલાણીએ આવકાર આપ્યો હતો.- આજે ભુજમાં મલ્ટિ સ્પેશિયાલિટી ઓપીડી : મૈરિંગો એશિયા હોસ્પિટલ દિલ્હીના નિષ્ણાત તબીબો રવિવાર 9 નવેમ્બરના કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મલ્ટિ સ્પેશિયાલિટી ઓપીડી યોજશે. સવારે 9.30થી બપોરે બે વાગ્યા સુધી યોજાનારા કેમ્પમાં વિવિધ રોગની અદ્યતન સારવાર કરવામાં આવશે. સમયાંતરે આ નિષ્ણાત તબીબો ઓપીડી માટે આવશે, તો સર્જરી માટે તબીબો નિયમિત આવતા રહેશે. 

Panchang

dd