• રવિવાર, 09 નવેમ્બર, 2025

અંતે.., બરાયાની જોખમી પાપડી તોડી મરંમત શરૂ

મુંદરા, તા. 8 : મુંદરા તાલુકાનાં બરાયા ગામ પાસે નવનિર્માણ પામી રહેલા પુલને લીધે બાયપાસ તરીકે ઉપયોગ થતા અને બરાયા ગામમાંથી પસાર થતા કોઝ-વે માર્ગમાં લાંબા સમયની ફરિયાદોને અંતે આજે હાશકારારૂપ ખબરમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)એ મરંમત શરૂ કર્યું છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જવાની ખાતરી આપવામાં આવી છે, ત્યાં સુધી તમામ એસ. ટી. વાહન વ્યવહાર ગુંદાલાથી અને અન્ય વાહનો પ્રાગપર-બેમાંથી પસાર થાય છે. મળતી વિગતો મુજબ, શુક્રવારે એસ.ટી. બસ બરાબર આ પાપડીમાંથી પસાર થઈ હતી, ત્યારે ટ્રાફિકજામ થતાં માર્ગ વચ્ચોવચ કોઝ-વેમાં રિવર્સ લેવા સમયે પાળી ઉપર ચડી ગઇ હતી, અને ટ્રાફિકજામ થયો હતો. બસ જોખમી સ્થિતિમાં આવી ગઈ, સદ્ભાગ્યે, કોઈને ઇજા પહોંચી નહોતી. અગાઉ કચ્છમિત્રએ હેવાલ પ્રસિદ્ધ કરી ગમે ત્યારે જાનહાનિ સર્જાશે એવો ભય વ્યક્ત કર્યો હતો. શનિવારે સવારે  કોઝ-વેને તોડવામાં આવ્યો અને સમગ્ર નદી વહેણનું પાણી કાઢવામાં આવ્યું વચ્ચે પાઇપ નાખીને મરંમતનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.  આ સમસ્યા એટલી ગંભીર હતી કે, ખુદ બરાયા ગ્રામ પંચાયતે પણ પહેલ કરી હતી કે, જો તંત્રને કામ ન કરવું હોય, તો અમને મંજૂરી આપો, અમે અમારા ખર્ચે કરી લેઈએ, પરંતુ અંતે આજે માર્ગ અને મકાન વિભાગે કામ શરૂ કરી દીધું હતું. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવી ખાતરી સંપર્ક કરતાં માર્ગ મકાન વિભાગ દ્વારા  આપવામાં આવી હતી. દરમ્યાન, એસ.ટી. તંત્રના સૂત્રોએ હ્યું હતું કે, તમામ બસોને શનિવાર સવારથી પ્રાગપરથી ગુંદાલા થઈને ચલાવવામાં આવી રહી છે.  કારણ કે, પ્રાગપર - બેનો માર્ગ સિંગલ પટ્ટી માર્ગ છે અને ટ્રાફિક વારંવાર જામ થઈ જાય છે. નોંધનીય છે કે, બરાયાનો પુલ  પ્રથમ 11 કરોડની મંજૂરી બાદ વર્તમાનમાં લગભગ 14 કરોડના ખર્ચે નવનિર્માણ પામી રહ્યો છે. 

Panchang

dd