• રવિવાર, 09 નવેમ્બર, 2025

આઈસીસી મહિલા વિશ્વકપમાં મોટો ફેરફાર

નવી દિલ્હી, તા. 8 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઘોષણા કરી છે કે મહિલા વનડે વિશ્વકપના 2029ના સંસ્કરણમાં વર્તમાન આઠ ટીમની સંખ્યાને વધારીને 10 ટીમ કરવામાં આવશે. ભારતે બે નવેમ્બરના મુંબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવીને મહિલા ક્રિકેટમાં પહેલી વૈશ્વિક ટ્રોફી જીતી હતી. હજારો પ્રશંસકો આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં ઉમટી પડયા હતા. જેનાથી આઈસીસી ટીમની સંખ્યા વધારવા માટે પ્રોત્સાહિત થયું છે. આઈસીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે બોર્ડ ટૂર્નામેન્ટની સફળતાને આગળ વધારવા માટે ઉત્સુક છે. આઈસીસી બોર્ડે ટુર્નામેન્ટના આગામી ચરણને 10 ટીમ સુધી વધારવા માટે સહમતિ વ્યક્ત કરી છે. આગળ કહેવામાં આવ્યું હતું કે લગભગ 3,00,000 પ્રશંસકોએ સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટ માણી હતી. જેણે કોઈપણ મહિલા ક્રિકેટ પ્રતિયોગિતા માટે દર્શકોની ઉપસ્થિતિનો રેકોર્ડ તોડયો હતો. ટૂર્નામેન્ટમાં દર્શકોની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ હતી અને દુનિયાભરમાં ઓન ક્રીન દર્શકોનો નવો રેકોર્ડ સ્થાપિત થયો હતો. જેમાંથી ભારતમાંથી લગભગ 50 કરોડ દર્શક હતા. બોર્ડે સમાન વિકાસ પ્રત્યે આઈસીસીની પ્રતિબદ્ધતાને દર્શાવતા 2026 માટે સહયોગી સભ્યોને ધન વિતરણમાં 10 ટકાની વૃદ્ધિને મંજૂરી આપી હતી. આઈસીસીને પ્રોજેક્ટ યુએસએ ઉપર પણ પહેલું અપડેટ મળ્યું છે. આ પરિયોજના અમેરિકી ક્રિકેટમાં આઈસીસીના નિર્દેશ અનુરૂપ શરૂ કરવામાં આવી હતી. આ પરિયોજના લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવા માટે અનુકુળ માર્ગ તૈયાર કરવા ઉપર કેન્દ્રીત છે. આઈસીસી બોર્ડે આઈસીસી મહિલા ક્રિકેટ સમિતિના ઘણા સભ્યોની નિયુક્તિને મંજૂરી આપી છે. જેમાં એશ્લે ડી સિલ્વા, મિતાલી રાજ, અમોલ મજુમદાર, બેન સોયર, ચાર્લોટ એડવર્ડસ અને સાલા સ્ટેલા સામેલ છે. 

Panchang

dd