નવી દિલ્હી, તા. 11 : ભારત અને
અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી 3 મેચોની ટી-20 સિરીઝનું શેડ્યૂલ સામે આવ્યું
છે. આ સિરીઝ આવતા મહિને એટલે કે, સપ્ટેમ્બરમાં
દિલ્હી ખાતે રમાશે. આ પહેલાં જૂનમાં બંને દેશો વચ્ચે 1 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમાઈ હતી, જે બાદ હવે બંને ટીમો ટી-20 સિરીઝ માટે મેદાને ઊતરશે. એક
મીડિયા હેવાલ મુજબ, અફઘાનિસ્તાન
ક્રિકેટ બોર્ડે સોમવારે સ્ટેકહોલ્ડર્સને લખેલા એક પત્રમાં આ સિરીઝ અંગે માહિતી આપી
હતી. આ પત્ર મુજબ, સિરીઝની ત્રણેય મેચ 13, 15 અને 17 સપ્ટેમ્બરના દિલ્હીના અરુણ
જેટલી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ આ તારીખો પર
પોતાની સહમતી દર્શાવી દીધી છે. જો કે, અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ
બોર્ડ આ પત્ર અફઘાનિસ્તાનના 2026ના ભારત પ્રવાસની નક્કી તારીખો અને સ્થળની સત્તાવાર પુષ્ટિ તરીકે
જારી કરી રહ્યું છે. તેથી તમામ મીડિયા રાઈટ્સ હોલ્ડર્સ આપેલી માહિતીના આધારે પોતાની
એડવાન્સ પ્લાનિંગ, પ્રોડક્શનની
વ્યવસ્થા અને પ્રમોશન સંબંધિત તૈયારીઓ શરૂ કરી શકે છે.