• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

પહેલું સુખ તે જાતે નર્યા; પણ મુંદરાવાસી આરોગ્યસેવામાં ન ઠર્યા

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 11 : મુંદરા આજે બંદરીય વિકાસને પગલે ચોતરફ વિકસ્યું છે, અનેક નાના- મોટા ઉદ્યોગોનું આગમન થયું છે, વસ્તીમાં છેલ્લા અઢી દાયકામાં લગભગ આઠગણો વધારો થયો છે, ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા મળી, આ વિસ્તારમાં વીજ તંત્રના બેમાંથી ત્રણ સબ ડિવિઝન થયાં, રજિસ્ટ્રાર ઓફિસ ધમધમે છે ને કરોડોની જમીનોનાં સોદા થાય છે, સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કક્ષાની કચેરી છે અને છેલ્લે કાયદો વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે પણ મુંદરા, માંડવી તાલુકાનાં સાત પોલીસ મથકોને આવરી લેતી આઈપીએસ કક્ષાના અધિકારી સાથેની વિભાગીય પોલીસ અધીક્ષકની કચેરી શરૂ થઈ ગઈ, પણ `પહેલું સુખ તે જાતે નર્યા' એ સુખ આપવામાં સરકાર, આરોગ્યતંત્ર અને લોકપ્રતિનિધિઓ વામણા પૂરવાર થયા છે.

36 વર્ષથી સીએચસી જ !

મુંદરાની 1980માં ડિસ્પેન્સરીથી શરૂ થયેલી આરોગ્ય સેવાનું 1990માં સીધી સીએચસી (સામૂહિક આરોગ્ય કેન્દ્ર)માં વિસ્તરણ થયું, પણ જેમ બાકીની સેવાનો વિસ્તાર થયો, એમાં મહત્ત્વની આરોગ્ય સેવાને મહત્ત્વ ન અપાયું અને 1990થી 1926 સુધી, લગભગ 36 વર્ષથી સીએચસીનો જ દરજ્જો યથાવત રહ્યો છે અને દુ:ખની વાત એ છે કે, આગળ વધીને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તો બનાવવાનું દૂર રહ્યું સીએચસી ધોરણો મુજબ તબીબો પણ નથી મુકતા !

સગર્ભા કેસ જટિલ થાય તો જોખમ

આધારભૂત વિગતો મુજબ, મુંદરાની સીએચસી હોસ્પિટલમાં ત્રણ મંજૂર મેડિકલ ઓફિસરની જગ્યા સામે બે  ભરેલી છે. મુંદરા- બારોઈ મળીને અત્યારે એક અંદાજ મુજબ દોઢ લાખની વસ્તી છે ને આ હોસ્પિટલમાં જ્યારે પણ બોન્ડેડ ગાયનેક તબીબો 11 મહિના માટે મુકાય છે, ત્યારે એક મહિનામાં 80થી 85 ગર્ભવતી મહિલા લાભાર્થી હોય છે ને અત્યારે ગાયનેકની જગ્યા ખાલી પડી છે, સામાન્ય ડિલિવરી શક્ય બને છે, પરંતુ જો જરા પણ કેસ જટિલ  થાય અને આર્થિક નબળી વ્યક્તિ હોય તો ખર્ચના ખાડામાં ઊતરવું પડે છે, યા કપરી સ્થિતિમાં ભુજ દોડવું પડે છે. તાજેતરમાં ખાનગી સહયોગથી સંકુલના કમ્પાઉન્ડ વોલનું કલર કામ થયું, ભલે, સરકાર હોય કે સીએસઆરમાંથી પણ સારું કામ થયું અને અનેક કંપનીઓ વિવિધ મેડિકલ સાધનોમાં પણ સહયોગ ભેટમાં અર્પણ કરે છે, પરંતુ હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફી જેવી પાયાની સુવિધાઓ જ નથી ! જેના અભાવે દર્દીઓને બારોઇ રોડમાં ધકેલાવું પડે છે, ત્યારે આ સુશોભન કઠે છે.

2022 પછી કાયમી ગાયનેક નહીં

મુંદરાના જાગૃત નાગરિકોને પૂછતાં કહે છે કે, 2010માં મુંદરાને ડો. દામાણી નિયમિત ગાયનેક તબીબ મળ્યા, જે 2022 સુધી હતા. એ પછી આરોગ્ય તંત્ર તરફથી માત્ર 11 મહિનાના બોન્ડેડ ગાયનેક અને અન્ય તબીબોની આવન-જાવન છે. હા, અત્યારે સર્જન છે, પણ બોન્ડેડ આધારિત છે, જે જગ્યા ફરી ખાલી થઈ જશે. મેડિકલ ઓફિસરમાં પણ એક બોન્ડેડ અને એક દાંતના તબીબ અને ફિઝિયોથેરાપીસ્ટની જગ્યા ભરેલી છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કાયમી ગાયનેક નથી મળ્યા. તાલુકાનાં ભુજપુર વિસ્તારની હોસ્પિટલને પણ સીએએચસીનો દરજ્જો છે, પરંતુ એક જ તબીબ છે અને એ પણ બોન્ડેડ છે. આ સરકારી હોસ્પિટલો છે અને પોસ્ટમોર્ટમ, મેડિકલ રિપોર્ટ, અક્માત, મહિલાના દાઝવા જેવા કિસ્સામાં તબીબોની સંખ્યા પૂરતી ન હોય તો કેમ ચાલે ? 2001માં વસ્તી ગણતરી મુજબ, મુંદરામાં 10,300 અને બારોઈની લગભગ પાંચ હજાર આસપાસ હતી. જે વધીને 2011માં બંનેની કુલ 33,000 જેવી થઈ, પરંતુ દોઢ દાયકા પછી ઔદ્યોગિકીકરણ  અને લોકોનાં સતત આગમન થકી સીધી દોઢ લાખ સુધી પહોંચી છે, પણ આરોગ્ય સેવા ટૂંકી પડે છે.

સબ ડિસ્ટ્રીક્ટનો ઠરાવ; પણ અર્થ શું ? રેફરલનો દરજ્જો પણ લાભ ક્યાં ?

મુંદરા સીએચસી હોસ્પિટલને અપગ્રેડ કરવા માટે રોગી કલ્યાણ સમિતિમાં વર્ષો પહેલાં ઠરાવ થયો છે, પણ તેનો કોઈ અમલ નથી. સ્થાનિક જાગૃત લોકો, રાજકીય પક્ષો દ્વારા તંત્રનું અવારનવાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ મુદ્દે લેખિત, મૌખિક ધ્યાન દોરવામાં આવ્યું છે. પરંતુ ઈચ્છા શક્તિનો અભાવ સ્પષ્ટ દેખાય છે. અત્યારે માંડવી, અંજાર, નખત્રાણા અને રાપરને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનો દરજ્જો છે. પણ, વસ્તી અને વિકાસની દૃષ્ટિએ માત્ર સબ ડિસ્ટ્રીક્ટ જ નહીં, મુંદરામાં ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જેવી મોટી હોસ્પિટલની આવશ્યકતા છે. જો કે, સીએચસી સાથે મુંદરા હોસ્પિટલને રેફરલનો દરજ્જો મળેલો છે. પણ, રેફરલ હોસ્પિટલ તરીકે વધારાના તબીબો સાધનોની યોજનાનો કોઈ લાભ ઉપલબ્ધ નથી, એટલે એ દરજ્જો પણ ખાલી નામનો બની રહ્યો છે.

એક્સ-રે પણ નહીં !; ભરતી ધોરણમાં બદલાવ જરૂરી

મુંદરા સીએચસીમાં એક્સ-રે જેવી પાયાની સુવિધા પણ મળતી નથી. નાની-મોટી ઈજામાં પીડા વચ્ચે દર્દીને બીજી જગ્યાએ જવાની વધુ પીડા ભોગવવી પડે છે. બીજું સબ ડિસ્ટ્રીક્ટ દરજ્જો હોય તો એક્સ-રે ટેક્નિશિયન અને એક્સ-રે આસિસ્ટન્ટ એમ બે મંજૂર જગ્યા મળે. અત્યારે મુંદરામાં માત્ર ટેકનિશિયનની જગ્યા છે અને તેમાં સરકારની નીતિ મુજબ બી. એસસી. (ફિઝકસ) જોઈએ. જ્યારે આસિસ્ટન્ટની પોસ્ટમાં ડિપ્લોમા ચાલે છે. હવે સ્થિતિ એવી છે કે બી.એસસી. (ફિઝિક્સ) સાથેના ટેક્નિશિયન મળતા નથી અને આવે તો કોન્ટ્રાક્ટમાં 15,000માં થોડો સમય કામ કરી નીકળી જાય છે, ત્યારે આવા સ્થાનોમાં સરકારે છૂટછાટ મૂકે તો જગ્યા ભરાય ને સુવિધા ઊભી થાય.

2019માં સોનોગ્રાફી મશીન બગડયું તે બગડયું  જ.. !

મુંદરા સીએચસીમાં 2019 સુધી સોનોગ્રાફી મશીન હતું, પછી બગડી ગયું અને આજે સાત વર્ષ થયા સરકારે નવી વ્યવસ્થા ગોઠવવાની કોઈ તસ્દી લીધી નથી. બગડેલા મશીનને અત્યારે પેક કરી રાખી દેવાયું છેકાટ ખાય છે અને મરંમત થઈ શકે એમ નથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આગળ શું તેનો કોઈ જવાબ નથી. ગરીબ દર્દીને ખાનગી લેબમાંથી યોજના મુજબ માત્ર એક સોનોગ્રાફી વિનામૂલ્યે સેવા છે, પણ ફરી કરવી પડે તો જરૂરિયાતમંદનો શું ગુનો ?

ક્વાર્ટર ખંડહર; ટીએચઓ  કચેરી ક્વાર્ટરમાં !

મુંદરા સીએચસી સંકુલ વિશાળ જમીન ધરાવે છે. મુખ્ય બિલ્ડિંગ, પ્રસુતિ ગૃહ બરાબર છેપણ ટીએચઓ કચેરી સ્વતંત્ર રૂમોને બદલે વર્ષોથી એક પછી એક ક્વાર્ટરમાં ચાલે છે. 2005માં બનેલા અન્ય ક્વાર્ટર્સ તો એટલા ખખડધજ છે કે છતના પોપડા ઉખડી ગયા છે. વિશ્વસનીય અધિકારીઓ કહે છે, કે, `જર્જરિત કવાર્ટર તો મરંમત યોગ્ય નથી' એવો સર્વે રિપોર્ટ થઈ ગયો છે, પણ સરકાર નવું બનાવવાનાં કોઇ મૂડમાં નથી, માગણીઓ માત્ર કાગળ પર જ છે.

Panchang

dd