• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

સિંહનો દિવસ નહીં, પ્રત્યેક દિવસ સિંહનો

વિશ્વ સિંહ દિવસની ઉજવણી માટે સૌરાષ્ટ્ર સજ્જ છે. સોમવારે શાળાના વિદ્યાર્થીઓ સિંહના મહોરાં પહેરીને નીકળશે, સિંહ અને માનવના સહઅસ્તિત્વ માટે સંકલ્પ લેવાશે. કોઈ દિનવિશેષની ઉજવણી અસ્થાને નથી, પરંતુ ત્યાં જ અટકી પણ જવાનું નથી. સદીઓથી સિંહ સૌરાષ્ટ્રમાં વસે છે, માનવ અને સિંહ વચ્ચે એક સામંજસ્ય છે, સમાંતરે તેની ચિંતા-ચિંતન પણ સતત કરવા પડી રહ્યાં છે. છેલ્લા બે માસમાં સિંહ માનવ ઉપર હુમલા કરે તેવા વધેલા બનાવે આ ક્ષેત્રે ફરી ચર્ચા પણ જગાવી છે. સિંહ સૌરાષ્ટ્રનું ગૌરવ છે, ગીરની ગરવાઈ છે તે બધું સાચું, પરંતુ આવી કોઈ સંવેદનશીલ બાબતમાં ન પડીએ તો પણ સિંહ આખરે તો પ્રકૃતિનું પ્રતીક છે. ફક્ત સિંહ નહીં, આખું જંગલ અગત્યનું છે, સમસ્ત નિસર્ગ મહત્ત્વનું છે. ગીરના સિંહની જાળવણી અનિવાર્ય છે. સિંહની સાથે વસતા દીપડા, હરણ કે વિવિધ પક્ષીઓ પણ ગીરના સંતાનો છે. સિંહ સંવર્ધનની ચર્ચાના કેટલાક મુદ્દા સતત ચાલ્યા આવે છે. સિંહને જંગલ ટૂંકું પડે છે. આપણે સિંહના ઘરમાં ગયા તેથી સિંહ આપણા ઘરમાં આવ્યા. સિંહ મનુષ્ય ઉપર અકારણ હુમલો કરતા નથી આવી વાતો સતત થાય છે, ખોટી પણ નથી, પરંતુ સામે સિંહની જાળવણી કરતાં-કરતાં માનવજીવનની સુરક્ષા પણ ધ્યાને લેવાવી જરૂરી છે. જંગલમાં માણસે અયોગ્ય પ્રવૃત્તિ કે પ્રવેશ ન કરવા જોઈએ, સાથે જ સિંહ ગ્રામ્ય-શહેરી વિસ્તાર આસપાસ આવતા ઓછા થાય તેના ઉપાય વિચારવા જોઈએ. વનવિભાગ બોર્ડર સિક્યોરિટી ફોર્સની જેમ શહેરીની સરહદે ઊભો રહે નહીં તે સમજી શકાય, પરંતુ વનની બહાર સિંહ ઓછા નીકળે તેના વિકલ્પો વિચારવા જોઈએ. સિંહનો શિકાર ન થાય તેવા કાયદા જૂનાગઢમાં નવાબી શાસન હતું ત્યારે ઘડાયા હતા. આજે આપણી પાસે વન્યસૃષ્ટિની જાળવણીના ઘણા કાયદા છે. સવાલ તેના અમલ-પાલનનો છે. ગીરના જંગલમાં હોટેલ રિસોર્ટ કે ફાર્મહાઉસના જે દબાણ છે તે સિંહના મુક્તવિહારમાં અવરોધક છે. પ્રવાસનનો વિકાસ થવો જરૂરી છે. પ્રકૃતિના ભોગે તે થવું ન જોઈએ. સિંહ દિવસ નિમિત્ત છે, સૌરાષ્ટ્રની પ્રકૃતિની સુરક્ષા અને તેના માટેની જાગૃતિનું. સિંહ દિવસે સિંહ બચાવવાના શપથ લેવાવા જોઈએ, ગીર સમસ્તની જાળવણી માટે પણ જાગતા રહેવાનો સંકલ્પ થવો જોઈએ.

Panchang

dd