નવી દિલ્હી, તા. 11 : ફુકેટથી દિલ્હી
આવી રહેલી એર ઇન્ડિયાની ઉડાનનો પાઈલટ બીજી વખત પણ ડોપ ટેસ્ટમાં ફેઇલ થયો છે. મીડિયા
હેવાલો અનુસાર ફ્લાઇટ એઅઇ-2379નો પાઈલટ
લેબોરેટરી તપાસમાં ગાંજા (મેરિજુઆના)નાં સેવન માટે પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે
કે, એર ઇન્ડિયાની આ ઉડાનમાં 137 પ્રવાસી અને આઠ ક્રૂ સભ્ય હતા.
ઉડાન દરમ્યાન આ વિમાન ટર્બ્યુલેન્સમાં ફસાયું હતું અને અચાનક જ 300 ફૂટ નીચે ગબડી ગયું હતું. નાગરિક
ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ અનુસાર ઘાયલોમાં ચાલકદળના બે સભ્યનો પણ સમાવેશ થતો હતો.
સાઇકોએક્ટિવ પદાર્થની આરંભિક તપાસમાં પાઈલટ સંદિગ્ધ જણાતાં વધુ પુષ્ટિ માટે અંતિમ ટેસ્ટ
હાથ ધરાયો હતો. સાઇકોએક્ટિવ પદાર્થ એવા રસાયણને કહેવામાં આવે છે, જે મગજ અને તંત્રિકા તંત્ર પર સીધી અસર કરે
છે. મંત્રાલય અનુસાર વિમાનની ઘટના બાદ ઉડાન ચાલકદળના બંને સભ્યની સાઇકોએક્ટિવ પદાર્થ
માટે તપાસ કરવામાં આવી હતી. મુખ્ય પાઈલટનાં સેમ્પલ અંતિમ પુષ્ટિ માટે લેબોરેટરીમાં
મૂકવામાં આવ્યાં હતાં. આ ઘટનાને ગંભીર શ્રેણીમાં રાખવામાં આવી રહી છે અને તેની તપાસ
વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (એએઆઇબી) કરે છે.