નવી દિલ્હી, તા. 11 (વિશેષ પ્રતિનિધિ
તરફથી) : દેશના રાજકારણમાં મંગળવારે પણ આરોપ- પ્રતિઆરોપ, વિરોધ પ્રદર્શન અને સંસદમાં હંગામો જોવા મળ્યો
હતો. સંસદના ચોમાસુ સત્રના છેલ્લા ચરણમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અંતર ઘટવાને બદલે
વધતું જોવા મળ્યું છે. સંસદની અંદર હંગામો અને બહાર રાજકીય બયાનબાજી જોવા મળી હતી.
એક તરફ સરકારે વિપક્ષ પર સંસદની કાર્યવાહી સરખી રીતે ચાલવા ન દેવાનો આરોપ મુક્યો હતો.
તો બીજી તરફ વિપક્ષ વિદ્યાર્થી આંદોલન, નીતિગત નિર્ણયો અને અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ પર જવાબદારી નક્કી
કરવાની માંગણી કરી હતી. દરમિયાન ઘણાં મહત્વના ખરડાઓ મંજૂર થયા હતા.
સંસદમાં ચર્ચા ઓછી ધાંધલ-ધમાલ વધુ
લોકસભા અને રાજ્યસભામાં મંગળવારે પણ કેટલાય મુદ્દાઓ પર વિપક્ષી
દળોનો વિરોધ જોવા મળ્યો. સતત અવરોધોના કારણે કામગીરી પ્રભાવિત થઈ. લોકસભા અધ્યક્ષ ઓમ
બિરલાએ સત્તાપક્ષ અને વિપક્ષ બંનેને સંવાદ અને સહમતિનો રસ્તો અપનાવવાની અપીલ કરી. સ્પીકરનો
સંદેશ સ્પષ્ટ હતો કે પ્રજાએ પોતાના પ્રતિનિધિઓને સંસદમાં ચર્ચા અને ઉકેલ માટે મોકલ્યા
છે,
ઝારખંડના આંદોલને રાજકીય રંગ પકડ્યો
ઝારખંડમાં ભરતી પરીક્ષાઓ સંબંધિત વિવાદ અને નોકરીના ઉમેદવારોના
પ્રદર્શન પર થયેલી કથિત પોલીસ કાર્યવાહી મંગળવારે રાષ્ટ્રીય રાજકારણના કેન્દ્રમાં રહી.
વિપક્ષે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે કથિત બળપ્રયોગ પર સવાલો ઉઠાવીને સરકારને
ઘેરી. આના જવાબમાં એનડીએ સાંસદોએ પણ વિરોધનો રસ્તો અપનાવ્યો અને કોંગ્રેસ નેતા રાહુલ
ગાંધીના વલણ પર સવાલો ઉઠાવ્યા. મામલો એટલો ગરમ થયો કે ઝારખંડ વિધાનસભાની કામગીરી પણ
નિર્ધારિત સમયથી એક દિવસ પહેલા અચોક્કસ મુદત માટે સ્થગિત કરવી પડી.
કેરળથી કેરલમ સુધી
સંસદમાં મંગળવારે એક મહત્વપૂર્ણ વિધાયક પગલું પણ સામે આવ્યું.
લોકસભાએ કેરળ (નામ પરિવર્તન) વિધેયક, 2026ને મંજૂરી આપી દીધી. આ લાગુ
થયા પછી રાજ્યનું સત્તાવાર નામ કેરળથી બદલીને કેરલમ કરવાનો રસ્તો સાફ થઈ જશે.આના માટે
બંધારણની પહેલી અને ચોથી અનુસૂચિમાં આવશ્યક સુધારો પ્રસ્તાવિત છે. વિપક્ષના વિરોધ વચ્ચે
વિધેયકનું પસાર થવું સંસદની અંદર ચાલી રહેલા રાજકીય મતભેદોને પણ સામે લાવે છે.