• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

માધાપર : કારમાંથી રૂા. 1.68 લાખના શરાબ સાથે બે શખ્સ જબ્બે

ભુજ, તા. 11 : ગઈકાલે રાત્રે માધાપર પાસે એલસીબીએ રૂા. 1.68 લાખના શરાબની ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. આ દારૂ નખત્રાણાના બુટલેગરે મંગાવ્યાનું સામે આવતા ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ માંડવીમાં પણ પોલીસે દેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સને દબોચી લીધો હતો. ગઈકાલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, એક હોન્ડા સિટી કાર નં. જી.જે. 01-એચઝેડ 2138વાળીમાં બે ઈસમ ચોરખાના બનાવી તેમાં શરાબનો જથ્થો ભરી શેખપીર બાજુથી ભુજ તરફ આવી રહ્યા છે. આથી બાતમીના આધારે માધાપરના નળવાળા સર્કલ પાસે કાર ઉભી રખાવી તલાસી લેતા તેમાંથી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 125 બોટલ તથા 37 કવાટરિયા જેની કુલ્લે કિ. રૂા. 1,68,109 તથા બે મોબાઈલ કિ. રૂા. 10,000 અને કાર કિ. રૂા. 3 લાખના મુદ્દામાલ સાથે આરોપી મહેન્દ્રસિંઘ કનૈયાલાલ ડોઈ (રહે. ઉત્તરપ્રદેશ, મુળ રાજસ્થાન) અને ક્રિષ્નાકુમાર ક્રિપાશંકર વિશ્વકર્મા (રહે. ઉત્તરપ્રદેશ)ને ઝડપી લીધા હતા. આ શરાબ નખત્રાણાના નવલસિંહ જામસિંહ સોઢાએ મંગાવ્યાનું સામે આવતા ત્રણે વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો છે અને નવલસિંહને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં એએસઆઈ વીરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ સોલંકી, સુનીલભાઈ પરમાર, હે. કો. દિવ્યરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા, રણજિતસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહિલ જોડાયા હતા. બીજી તરફ માંડવી પોલીસે આજે સવારે બાતમીના આધારે સ્વીફટ કાર નં. જી. જે. 12 બીએફ 7887માં દેશી દારૂ 200 લિટર જેની કિ. રૂા. 40,000 ભરીને માંડવી તરફ વેચાણ અર્થે લઈ આવતા નવા તલવાણાના વાલજી ભીખા જોગીને ઝડપી લીધો હતો. 40 હજારના દેશી દારૂ અને કાર કિ. રૂા. બે લાખના મુદ્દામાલ સાથે આરોપી વાલજીને ઝડપી માંડવી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Panchang

dd