ગાંધીધામ, તા. 11 : માઇક્રો અને સ્મોલ ઉદ્યોગોને
તેમના માલસામાન કે સેવાઓ બદલ સમયસર ચૂકવણી મળી રહે તેમજ વિલંબિત ચૂકવણીઓ સંબંધિત વિવાદોનું
ઝડપી અને અસરકારક નિરાકરણ થાય તે હેતુથી માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન
કાઉન્સિલ (એમએસઈએફસી), કચ્છની ત્રીજી
સુનવણી ભુજ ખાતે યોજાઈ હતી, જેમાં 27 કેસનો નિકાલ કરવામાં આવ્યો
હતો આ સુનવણીમાં કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,
કચ્છના જનરલ મેનેજર કનક ડેર, કાઉન્સિલ સભ્ય તરીકે
જિલ્લા સરકારી વકીલ, લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર આલોકકુમાર તથા વેપાર-ઉદ્યોગ
ક્ષેત્રના પ્રતિનિધિ સભ્ય તરીકે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ
તેજા કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. 88 કેસમાં બંને પક્ષકારને સાંભળી 27 કેસનો નિકાલ કરવામાં આવ્યો
છે, જ્યારે બાકીના કેસો વિવિધ પ્રક્રિયાના તબક્કામાં
છે. કાઉન્સિલની કામગીરીનાં પરિણામે અત્યાર સુધીમાં 27 કેસનો નિકાલ કરવામાં આવ્યો
છે, જેના પરિણામે અંદાજે રૂ. 1.25 કરોડથી વધુની અટકેલી ચૂકવણીઓ, સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ શક્ય બન્યું છે.
આથી અનેક નાના અને સ્મોલ ઉદ્યોગોને તેમના વ્યાપારિક વ્યવહારોમાં નાણાંકીય પ્રવાહ જાળવવામાં નોંધપાત્ર સહાય મળી છે. ગાંધીધામ ચેમ્બર
પ્રમુખ તેજાભાઈ કાનગડે કહ્યું હતું કે, નાના અને મધ્યમ ઉદ્યોગો
દેશના ઔદ્યોગિક વિકાસનો પાયો છે. ઘણી વખત વિલંબિત ચુકવણીઓના કારણે નાના ઉદ્યોગો મૂડીની
અછત તથા ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો અને રોજગારી જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરતા હોય
છે, આવી સ્થિતિમાં એમએસઇએફસી જેવી વ્યવસ્થા ઉદ્યોગકારોને ન્યાયસંગત
અને સમયબદ્ધ રાહત પૂરી પાડે છે. ઉદ્યોગકારોને જરૂર જણાય, ત્યારે
કાઉન્સિલની વ્યવસ્થાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો, માનદમંત્રી
મહેશભાઈ તીર્થાણીએ એક્ટ હેઠળ વિલંબિત ચુકવણીઓના કેસના ઝડપી નિકાલથી નાના અને સ્મોલ
ઉદ્યોગોના નાણાંકીય હિતોની રક્ષા થાય છે, વ્યાપારિક વિશ્વાસ મજબૂત
બને છે, ઔદ્યોગિક ઉત્પાદનને વેગ મળે છે અને સ્થાનિક અર્થતંત્રમાં
સકારાત્મક ગતિ સર્જાય છે. જિલ્લામાં આ વ્યવસ્થાના સક્રિય અમલીકરણથી ઉદ્યોગલક્ષી અને
રોકાણ મૈત્રી વાતાવરણને વધુ બળ મળવાની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.