• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

સરકારી પોલિટેકનિક કોલેજમાં અસુવિધા મુદે ઉગ્ર વિરોધ

ભુજ, તા. 11 : કચ્છ જિલ્લા એનએસયુઆઇ દ્વારા ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ, ભુજ ખાતે કોલેજ પરિસરમાં જોવા મળતી સમસ્યાઓ અને વહીવટી બેદરકારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અગાઉ સાત દિવસ પહેલાં આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવા છતાં કોઇ જ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા એન એસયુઆઇના કાર્યકરોએ પ્રિન્સિપાલ ઓફિસમાં હલ્લાબોલ મચાવ્યો હતો. રજુઆત દરમિયાન કોલેજની કેન્ટીનમાં સાફ-સફાઇના અભાવની સાથે પંખાઓ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. કેન્ટીન પરિસરમાંથી દારૂની બોટલ મળી આવતા કાર્યકરો ચોંકી ઉઠયા હતા. કોલેજના તમામ વિભાગના શૌચાલયોમાં પાણીની અનિયમિતતા અને સાફ-સફાઇના અભાવના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું રજુઆતમાં જણાવાયું હતું. સ્ટાફના અભાવને કારણે પ્રેકટીકલ માટે સાધન સામગ્રી હોવા છતાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહેતા હોવાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો. સાત દિવસની અંદર આ તમામ સમસ્યાઓના કાયમી નિરાકરણ નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કોન્ટ્રાકટર પદ્ધતિથી કામ કરતા અને સાફ સફાઇ તેમજ વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેલા સંબંધીત કોન્ટ્રાકટરોને તાત્કાલિક બ્લેકટલીસ્ટ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, ગવર્મેન્ટ પોલિટેકનિકના પ્રમુખ ધૈર્યરાજસિંહ જાડેજા, તીર્થ ઠક્કર અને કૃષ્ણરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

Panchang

dd