• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

રોહિતના ફોર્મ, નીતિશ અને રવીન્દ્રની નિષ્ફળતા પર સહાયક કોચ રેયાનનો બચાવ

રાજકોટ, તા.15 : ન્યુઝીલેન્ડ સામેની બીજી વન ડે મેચની 7 વિકેટે સજ્જડ હાર બાદ ભારતીય ટીમના સહાયક કોચ રેયાન ટેન ડોશ્વેર પત્રકાર પરિષદમાં ટીમ સંયોજન સંબંધી કેટલીક વાતનો સ્વીકાર અને બચાવ કર્યો હતો. સહાયક કોચ રેયાને ટીમની યોજના, પ્રયોગ અને પડકારો પર પોતાના વિચાર રજૂ કર્યાં હતા. જે મુજબ નીતિશ રેડ્ડી જેવા યુવા ખેલાડીઓએ મોકાનો લાભ લેવો પડશે, રોહિત શર્મા માટે ગેમ ટાઇમ જરૂરી છે, કેએલ રાહુલની ભૂમિકા બદલી શકે છે અને રવીન્દ્ર જાડેજા પર ભરોસો કાયમ છે.  રાજકોટ વન ડેની ભારતીય ઇલેવનમાં નીતિશકુમાર રેડ્ડીનો સમાવેશ થયો હતો. તેણે 20 રન કર્યાં હતા. અને બે ઓવર ફેંકી હતી. જે વિશે રેયાને જણાવ્યું કે અમે તેને તકો આપી રહ્યા છીએ, પણ તે ખાસ કંઇ કરી રહ્યો નથી. આજે તેની પાસે મોટી તક હતી. જેનો ફાયદો લેવાની જરૂર હતી. નીતિશ પ્રતિભાશાળી છે અને તેનો ઓલરાઉન્ડરના રૂપમાં વિકાસ ઇચ્છીએ છીએ. રોહિત શર્મા વિશે સહાયક કોચે જણાવ્યું કે તેને ઓછી મેચ રમવાનો મોકો મળે છે.  અહીં બેટિંગ કરવી આસાન લાગી રહી ન હતી. આજે રોહિત તેના અસલ ટચમાં ન હોય તેવું લાગી રહ્યું હતું. ફોર્મ ટકાવી રાખવું રોહિત માટે પડકાર છે. રેયાને એમ પણ કહ્યું રોહિતે આજે તેની બેટિંગ શૈલિ બદલી ન હતી. તે આક્રમક ખેલાડી છે. રાહુલના શાનદાર ફોર્મ વિશે રેયાને જણાવ્યું કે તેણે પાંચમા નંબર પર આવી શાનદાર બેટિંગ કરી આ નંબર પર સદી કરવી કઠિન હોય છે. અમે તેને બચાવીને રાખતા નથી. તેના ક્રમ પર વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. જાડેજાની ટીકા પર સહાયક કોચે બચાવમાં કહ્યું કે તે દબાણમાં નથી. તેના આંકડા શાનદાર છે. તે હાલમાં થોડું ઓછું ક્રિકેટ રમ્યો છે. આથી કદાચ વિકેટ મળી રહી નથી, પણ ચિંતાની વાત નથી. તે જલ્દીથી પાછો ફરશે. 

Panchang

dd