નવી દિલ્હી, તા. 15 : દેશની સર્વોચ્ચ
અદાલતે ગુરુવારે મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો આપ્યો હતો. આઇ-પેક દરોડા મામલામાં
ઇડીની અરજી પર સુપ્રીમે બંગાળની તૃણમૂલ સરકારને નોટિસ આપીને બે સપ્તાહમાં જવાબ માગતાં
કહ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીના આરોપો
ગંભીર છે. મમતાને મોટા આંચકા સમાન આદેશમાં સુપ્રીમ કોર્ટે ઇડીના અધિકારીઓ વિરુદ્ધ થયેલી
એફઆઇઆર પર રોક મૂકી દીધી હતી. ન્યાયમૂર્તિ પ્રશાંતકુમાર અને વિપુલ પંચોલીની ખંડપીઠે
મમતા સરકારને તાકીદ કરી હતી કે, ઇડીની કામગીરીમાં દખલ ન કરે.
એજન્સીને તેનું કામ કરવા દે. અદાલતે ત્રીજી ફેબ્રુઆરીના નવી સુનાવણીની તારીખ આપી હતી.
ત્યાં સુધી ઇડી અધિકારીઓ વિરુદ્ધ એફઆઇઆર પર પણ રોક મૂકી દીધી છે. આ મામલામાં કેટલાક
મોટા સવાલ છે, જેનો વજાબ નહીં મળે તો અરાજક્ત ફેલાશે. કેન્દ્રીય
એજન્સી ગંભીર અપરાધની તપાસ પ્રામાણિકતાથી કરતી હોય તો શું તેને રાજનીતિ કરીને રોકી
શકાય, તેવો સવાલ સુપ્રીમે કર્યો હતો. ઇડીએ આઠમી જાન્યુઆરીના તૃણમૂલ
કોંગ્રેસ આઇટી સેલ વડા અને આઇ-પેક નિર્દેશક પ્રતીક જૈનનાં ઘર પર દરોડા પાડયા હતા. ઇડીનો
આરોપ છે કે, એ દરોડાની કાર્યવાહી દરમ્યાન બંગાળ પોલીસને સાથે
રાખીને મમતા બેનર્જી પુરાવાઓ લઇ ગયાં હતાં. કોર્ટે કહ્યું હતું કે એજન્સીની તપાસમાં
દાખલ કરી શકાય નહી.કોર્ટે કહ્યું હતું કે આ અરજી ઈડી અને બીજી કેન્દ્રીય એજન્સીની તપાસ
અને રાજ્ય અધિકારીઓ દ્વારા દખલનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. આ મામલે તપાસ થવી જોઈએ. જેથી
નિશ્ચિત થઈ શકે કે રાજ્યની સુરક્ષાની આડમાં અપરાધીઓને બચાવવામાં ન આવે. જસ્ટિસ પીકે
મિશ્રાએ આદેશ આપ્યો હતો કે ઈડી અધિકારીઓ સામે દાખલ એફઆઈઆર આગામી સુનાવણી સુધી સ્થગિત
રહેશે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પ્રતિવાદી સીસીટીવી ફૂટેજ અને સર્ચ રેકોર્ડિંગ
ધરાવતા બીજા ડિવાઈસને સુરક્ષિત રાખે. આ દરમિયાન સીનિયર એડવોકેટ અભિષેક સિંઘવીએ અનુરોધ
કર્યો હતો કે તપાસ દબાણ વિના આગળ વધશે અને જો સ્ટે જારી રહે તો આવેદન માટે વધારે સમય
મળે. કોર્ટે જવાબ આપ્યો હતો કે આદેશ જલ્દી આપી શકાતો હતો પણ તમામ દલીલોને વિસ્તારથી
રેકોર્ડ કરવી મહત્ત્વપૂર્ણ હતી. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ઈડી તરફથી દલીલ કરતા અદાલતમાં
દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્ય પોલીસ સાથે મળીને તપાસ દરમિયાન પુરાવાની
ચોરી કરી હતી. આ ઉપરાંત મમતાએ ઈડીના એક અધિકારીનો ફોન પણ લઈ લીધો હતો. ઈડીનો આરોપ છે કે દરોડા દરમિયાન મુખ્યમંત્રી
પોતે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તપાસ અધિકારીઓના લેપટો, મહત્ત્વપૂર્ણ
દસ્તાવેજ અને મોબાઈલ ફોન ઝુંટવી લીધા હતા. આ મામલે ઈડીએ પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ
કુમાર અને કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માને તાકીદે સસ્પેન્ડ કરવા અને એફઆઈઆર
દાખલ કરવાની માગણી કરી છે. -