• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

કેરામાં એનઆરઆઈને ડિજિટલ એરસ્ટ કરી રૂા. 1.11 કરોડ પડાવી લેવાયા

ભુજ, તા. 15 : ડિજિટલ એરેસ્ટના અનેક બનાવો અને તેને લઈ જાગૃતિ કાર્યક્રમો છતાં ખાસ કરીને વડીલો ડિજિટલ એરસ્ટનો ભોગ બની રહ્યા છે. આ વચ્ચે મૂળ કેરા હાલે લંડન રહેતા અને શિયાળાની સિઝનમાં વતન આવતા 71 વર્ષીય વડીલ મનજી રામજી પટેલને ડિજિટલ ઠગબાજોએ કોલાબા પોલીસ બની તમારી સામે મની લોંડરિંગનો કેસ થયાનો જાસો આપી નવ દિવસ ડિજિટલ એરેસ્ટ કરી બેન્ક ખાતાની વિગતો મેળવીને કુલ્લે રૂા. 1,11,00,000 ઓનલાઈન પડાવી લેવાનો બનાવ સામે આવ્યો છે. એડવર્ડ રોડ, હેરો લંડન રહેતા મૂળ કેરાના વડીલ મનજીભાઈએ બોર્ડર રેન્જ-ભુજ સાયબર પોલીસમાં આજે નોંધાવેલી ફરિયાદ મુજબ તે દર વર્ષે શિયાળાની ઋતુમાં ડિસેમ્બરમાં વતન આવે છે. કેરામાં પોતાન ઘરે હતા ત્યારે 29 ડિસેમ્બરના એક અજાણ્યા નંબર પરથી ત્રી બોલતી હતી અને જણાવ્યું કે, તમારા નામનું સીમકાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું છે. થોડીવારમાં સીમ બંધ થઈ જશે. વધારે માહિતી જાણવી હોય તો આ કોલ કોલાબા પોલીસ મથકમાં ફોરવર્ડ કરું છેં જેથી કોલ કનેકટ થયો અને ત્યારબાદ સામેથી હિન્દી ભાષામાંતે કોલાબા પોલીસ મુંબઈથી બોલતા હોવાનું જણાવી કે, તમારા નામનું સીમકાર્ડ મળ્યું છે જે ખોટા કેસોમાં સંડોવાયેલ હોવાની માહિતી મળી છે. આથી તુરંત કોલાબા પોલીસમાં આવો. ફરિયાદીએ કહ્યું કે, હું ગુજરાત રહું છું તાત્કાલિક નહીં આવી શકું કહી ફોન કટ કરી દીધો હતો. થોડીવાર બાદ ફરિયાદીને વોટ્સઅપ પર કોલ આવ્યો અને કોલાબા પોલીસ સ્ટેશનથી વાત કરતા હોવાનું કહી બાદ ગ્રુપ વીડિયો કોલમાં પોલીસ ગણવેશમાં વિવિધ પોલીસ અધિકારીઓ બોલતત હોવાનું જણાવ્યું હતું. તમારા નામનું એટીએમ કાર્ડ આ કેસના મુખ્ય આરોપી નરેશ ગોયલના ઘરેથી મળ્યું છે. તમારા નામના સીમકાર્ડથી નરેશ ગોયલ સાથે વાતચીત થઈ હોવાનું મળ્યું છે. આથી તમારા ઉપર મની લોંડરિંગનો કેસ થયો છે. ફોન કટ કરશો તો તમારો સીમકાર્ડ બંધ થઈ જશે. તપાસ અર્થે તમારા પાસે જે સંપતિ છે જેની વિગતો આપવી પડશે. આથી ફરિયાદીએ પોતાના નામની એફ.ડી. બેન્ક ખાતા અને પરિવારના સભ્યોની માહિતી આપતા તેઓને ખ્યાલ આવી ગયો કે મનજીભાઈ હાલે એકલા છે. આથી ફરિયાદીને વધુ ડરાવા એરેસ્ટ, કોર્ટના ધક્કા ખાવા પડશે. કેસથી બચવું હોય તો અમને સહયોગ આપવો પડશે તેવું જણાવી મનજીભાઈને પોતાની જાળમાં સપડાવી લીધા હતા. આ બાદ ભયમાં આવેલા મનજીભાઈને ટ્રાઈ અને ઈડી દ્વારા ઈસ્યુ ઓર્ડર મોકલ્યા હતા. આ ડિજિટલ ઠગબાજોએ સતત ફોનનો મારો ચલાવી સતત નવ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રખાવી ફોન સતત ચાલુ રખાવી માનસિક ત્રાસ આપી મનજીભાઈના બેન્ક ખાતાની માહિતી મેળવી અને છઠી, સામતી અને આઠમી જાન્યુઆરીના ગઠિયાઓએ ટુકડે-ટુકડે 50 લાખ, 27 લાખ, 16 લાખ અને 18 લાખ એમ કુલ્લે રૂા. 1.11 કરોડ જુદા-જુદા ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. આ બાબતે મનજીભાઈએ તેના ભાણેજને વાત કરતા તેણે કહ્યું કે તમારી સાથે ફ્રોડ થયો છે અને ડિજિટલ એરસ્ટથી છોડાવ્યા હતા. આ બાદ સાયબર હેલ્પલાઈન ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ એલ.પી. બોડાણાએ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd